Monthly Archives: June 2011

આંકડાઓનું રહસ્ય અને નસીબ

મિત્રો કાલથી જુલાઇ મહિનાનો પ્રારંભ થશે. તમને એવું લાગશે કે એમાં શું? પણ આ વખતે ખાસ છે જુલાઇ મહિના માટે.

આ  ૨૦૧૧ના વર્ષમાં જુલાઇ મહિનામાં પાંચ શુક્રવાર, પાંચ શનિવાર અને પાંચ રવિવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. એટલે કે ૮૨૩ વર્ષમાં એકવાર આવું બને.

આ વર્ષે જેમાં ૧ જ હોય તેવી  તારીખ ૧-૧-૧૧, ૧-૧૧-૧૧, ૧૧-૧-૧૧, અને ૧૧-૧૧-૧૧

આટલું જ નહીં તમે જે સાલમાં જન્મ્યા હોવ તે સાલના પાછળના બે આંકડા લો અને તમારી હાલની ઉંમર તેમાં ઉમેરો. તેનો આંક આવશે ૧૧૧ કે ૧૧ જ આવશે.(પાછળના ત્રણ કે બે આંક)

હવે આટલું બધું નવીન હોય તેના માટે ઘણી બધી માન્યતાઓ અને તેના વિશે શ્રધા પણ આવે જ. તો આ વર્ષને અને જુલાઇ મહિનાને મની બેગ તરીકે ઓળખવામાં આવે છે.

તો મિત્રો કેશ કરી લો આ વર્ષને આપની મની બેગ ફુલ કરી લો. એટલે કે બેંક બેલેન્સ વધારી લો.

આ વિશે મેઇલ ફરતી થઇ ગઇ છે કે આ મેઇલને બીજા ચાર કે આઠ લોકોને મોકલો અને મની બેગ કેશ કરો.

આમ જોવા જઇએ તો પાંચ શુક્રવારની રાત અને પાંચ શનિ-રવિ આવે એટલે મજા કરવાના દિવસો વધે એટલું તો ચોક્કસ કહેવાય. અને ખુશ રહો તો મની બેગ તો ફુલ થાય જ.

ટેક્નોલોજી આશીર્વાદરૂપ

ટેક્નોલોજીને આશીર્વાદને બદલે અભિશાપ સમજનારાઓએ આત્મમંથન કરી માનસિકતા બદલવાની જરૂર છે. જો તમે કોઇપણ ટેક્નોલોજીને ખરાબ સમજતા હોવ તો રોજિંદા વપરાશમાં આવતી દરેક ટેક્નિકલ વસ્તુઓનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ. ઈલેક્ટ્રિસીટી અને ઈલેકટ્રિકથી ચાલતાં દરેક ઉપકરણો મોબાઇલ, રેડિયો, ટી.વી.ફોન બંધ કરી દેવાં જોઇએ. સવારથી ઉઠો અને રાત્રે સૂઇ જઇએ (રાતે  પણ પંખા કે એસીની તો જરૂર રહે છે જ એટલે કે ચોવીસ કલાક ૩૬૫ દિવસ અને આખી જીંદગી જ માની લો) ત્યાં સુધીમાં આપણે કેટલી વિજ્ઞાન દ્વારા શોધાયેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેનો હિસાબ કરીએ તો ખબર પડે કે ટેક્નોલોજી એટલે શું? માત્ર પઢાવેલા પોપટની જેમ વિજ્ઞાન કે ટેક્નોલોજીને ખરાબ કહેવી કે વિનાશક કહેવી કેટલી ઉત્તમ?

ટેકનોલોજી કે વિજ્ઞાન આભિશાપ નથી તેનો દુરપયોગ કરનારાઓ અભિશાપરૂપ છે. ન્યુકલીયર એનર્જી શોધાઇ છે માનવના સારા ઉપયોગ માટે દા.ત. ઈલેકટ્રિસિટી જનરેટ કરવા માટે  ઉપરાંત તેનાં મેડિકલ ઉપયોગ પણ ઘણાં છે. વિજ્ઞાનનાં પણ ઘણાં ઉપયોગ છે. માત્ર બોમ્બના કારણે ન્યુક્લિયર ટેકનોલોજી ખરાબ છે તેમ ના માની લેવાય. આજે જો ન્યુક્લિયર રિએકટરથી ચાલતાં પાવર જનરેટર બંધ થઇ જાય તો દુનિયાની ઘણા દેશોની કાર્યવાહી ઠપ્પ થઇ જાય. કમ્પ્યુટર આને આઈટી ટેકનોલોજી ના હોય કે બંધ થઇ જાય તો? દુનિયાની ૮૦% ઇકોનોમી ઠપ્પ. બધા ધંધા બંધ કે ઠપ્પ થઇ જાય.

મેડિકલ સાયન્સમાં વપરાતા મશીનો ૯૦% લેટેસ્ટ ટેકનોલોજીને આધારિત છે જેમ કે એકસ-રે, ઇસીજી. જો ટેકનોલોજી ખરાબ છે અને બંધ થઇ જાય કે તેનો ઉપયોગ બંધ કરીએ તો? પાછા પથ્થરયુગમાં જઇ શકીએ એમ છીએ? પ્લેનમાં કે ટ્રેન કે બસ મુસાફરી બંધ કરીને ઘોડા કે બળદગાડી વાપરવાં પડે. તે હવે શક્ય છે? અને કુદરતે માનવનું સર્જન કર્યું પછી  માનવ માત્ર પશુની જેમ નથી જીવતો. માત્ર કુદરત આધારિત ખોરાક અને જીવન જીવવાનું માણસે પથ્થરયુગમાં પણ નથી સ્વીકાર્યું. માણસે શિકાર અને રક્ષણ માટે પથ્થરનાં હથિયારની શોધ કરી હતી. કોઇપણ શોધ એક પ્રકારનું વિજ્ઞાન છે. આપણાં પહેલાંના ઋષિઓ એક પ્રકારનાં શોધકો જ હતા. આપણે વિજ્ઞાન શબ્દને જાણતાં નહોતાં. બધું ધર્મને નામે જ સ્વીકારતાં.

અસંખ્ય રોગોના ઇલાજ, અમાપ જ્ઞાન, ભૂખમરાનો ઉપાય,  અમાપ અગવડોનું સમાધાન, વ્યક્તિની ક્ષમતામાં અનેકગણો વધારો- આ બધું વિજ્ઞાનથી જ શક્ય બન્યું છે. પહેલાં ભૂખથી રિબાઇ રિબાઇ લોકો મરી જતાં. ૨૦૦-૫૦૦ માઇલ દૂર અઢળક અનાજનો જથ્થો હોય પણ પહોંચાડવું કેવી રીતે? વણઝારાની પોઠોની ક્ષમતા કેટલી? આજે ટ્રક, ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર વગેરે દ્વારા તરત જ રાહત પહોંચાડી લોકોને બચાવી શકાય છે. વિજ્ઞાનના પક્ષમાં બહુ લાંબું લિસ્ટ છે, જેના પાનાંને પાનાં ભરી શકાય.

રહી વાત વિજ્ઞાનથી વિનાશની તો જેમ લાઇટ એટલે કે વીજળી એક શક્તિ છે, જેનાથી પ્રકાશ મેળવાય છે અને અંધકાર દૂર કરી શકાય, પણ જો આ જ શક્તિનો વિવેકપૂર્વક ઉપયોગ ના આવડે તો કરંટ લાગવાથી મૃત્યુ પણ થઇ શકે. માત્ર વિજ્ઞાનના વિરોધની દલીલો કરીને નકારાત્મક ભૂમિકા બાંધવી યોગ્ય ના ગણાય. વિજ્ઞાનમાં દોષો હોઇ શકે, છતાં અવિજ્ઞાન કરતાં તે સારી સ્થિતિ આપે છે. વિજ્ઞાનનો વિરોધ કરવો એટલે અવિજ્ઞાનને સમર્થન. જે વિકાસને રૂંધનારું બને. એટલે વિવેકપૂર્ણ વિજ્ઞાનશક્તિનો વિકાસ કરી જનજીવનને વધુ સુખમય કરવું તે જ ઉત્તમ.

અને સૌથી મહત્વની વાત વિશ્વનાં લાખો કરોડો લોકોને અસર થશે એવી ઘટના કે મોટી ઉથલપાથલ માનવીના હાથમાં કે તેના નિર્ણયથી નહીં પણ કુદરત આધારિત જ હશે. આજ સુધી ઘણી મોટી કુદરતી આપત્તિઓ આવી જ છે. પરંતુ એવા સંજોગો આવે ત્યારે પાછળ જે લોકો જીવી ગયા હોય તેમને વિજ્ઞાન કે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા જ મદદ પહોંચાડી શકાય છે. ભૂતકાળમાં જ્યારે લેટેસ્ટ વિજ્ઞાનની ટેકનોલોજી નહોતી ત્યારે કુદરતી આપત્તિઓ જેવી કે દુષ્કાળ કે ધરતીકંપ જેવાં મહાવિનાશ ના સમય કરતાં હવે સર્જાતી કુદરતી હોનારતમાં ઝડપી સેવા અને બચાવ કામગીરી શક્ય બની છે.

અહી એક કિસ્સો અબ્દુલ કલામના એક પુસ્તકમાંથી વાંચેલો વિજ્ઞાનના સમર્થનમાં જે વિજ્ઞાન એટલે શું? તેની સરસ સમજ આપી શકે તે માટે.

૧૯૬૨માં ડૉ. સારાભાઇ અને ડો. ભાભા ભૂમધ્ય પ્રદેશમાં અંતરીક્ષ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવા માટે જગ્યાની શોધ કરતા હતા. કેરળમાં થુમ્બા સૌથી વધુ યોગ્ય લાગ્યું કારણ કે તે ભૂમધ્ય પ્રદેશથી નજીક અને ઉપલા વાતવરણમાં આયનવાળા સંશોધન માટે આદર્શ રીતે યોગ્ય હતું. પરંતુ આ વિસ્તારમાં વસેલાં ગામડાંમાં હજારો માછીમારો રહેતાં હતાં. ત્યાં એક સેન્ટ મેરી મેગડૅલીન નામનું સુંદર ચર્ચ અને બિશપનું ઘર હતું. તેથી જમીનપ્રાપ્તિનું કામ આગળ વધતું નહોતું.

ડૉ. સારાભાઇ બિશપ રેવરંડ ડૉ. પિટર બર્નાર્ડ પેરેસને શનિવારે મળ્યા અને જમીન માટે વિનંતી કરી. બિશપ હસ્યા અને એમને બીજા દિવસે મળવા માટે કહ્યું. રવિવારે સવારની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત લોકોને બિશપે કહ્યુ, ‘મારાં બાળકો! આ પ્રસિદ્ધ વિજ્ઞાનીને અંતરિક્ષ વિજ્ઞાન અને સંશોધનકાર્ય માટે જગ્યાની જરૂર છે જ્યાં આપણું ચર્ચ છે અને જ્યાં હું રહું છું તેની. વિજ્ઞાન સત્યને શોધે છે જે માનવજીવનને સમૃદ્ધ બનાવે છે. ધર્મની ઊંચી કક્ષાએ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિક ઉપદેશ આપનારા માનવમનની શાંતિ માટે પરમ કૃપાળુ પરમેશ્વરની સહાય માંગે છે. ટૂંકમાં કહેવાય કે જે કામ વિક્રમ કરી રહ્યા છે અને જે કામ હું કરું છું એ બંને સમાન છે- બંને, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા માનવમન તથા શરીરની સમૃદ્ધિ માટે પરમેશ્વરના આશીર્વાદ ઇચ્છે છે. બાળકો, શું આપણે વિજ્ઞાની અભિયાન માટે ઈશ્વરનું આ ઘર સોંપી શકીએ? આ પછી ક્ષણભર શાંતિ છવાઇ. પછી ભીડમાંથી હકારાત્મક અવાજ ઊઠ્યો અને સમગ્ર ચર્ચમાં ગુંજી ઊઠ્યો.