મિત્રો, ચોમાસું બરાબર જામ્યું છે, અસહ્ય ગરમી પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો આ ખુશનુમા વાતાવરણમાં ગરમાગરમ નાસ્તાની સાથે મીઠાશભરી હળવી રમૂજને માણીએ.
આપણા ગુજરાતની આપણી ભાષા ગુજરાતી પણ આપણે ત્યાં લોકબોલીઓ ઘણી છે, અલગ અલગ વિસ્તારની લોકબોલી છે. દરેક લોકબોલી સાંભળવાનો એક અનેરો આનંદ હોય છે તેમાં અલગ મીઠાશ પણ હોય છે. જો કે ક્યારેક એમાંથી હળવું હાસ્ય પણ મળે છે, જ્યારે તેને તેના સાચા અર્થમાં ન સમજીએ ત્યારે. અને તે સમયે પરિસ્થિતિ સર્જાય છે તે પણ મજાની હોય છે આવાં જ થોડાંક મજાનાં યાદગાર પ્રસંગો જે આજે ઘણાં વર્ષો પછી પણ મનઃપટલ પર સંગ્રાહેલા છે. તો આવો સાથે મળીને માણીએ.
મારો દીકરો જય જ્યારે બે વર્ષથી પણ નાનો હશે તે વખતે એક પાડોશીના ચારેક વર્ષના પુત્ર નામ તેનું સંકેત બંને વચ્ચેનો સંવાદ હું થોડેક દૂરથી સાંભળતી હતી તે પ્રસંગ. અમારા ટી.વી.ના કેબિનેટ ઉપર ટેપરેકોર્ડર હતું. સંકેત જયને કહે કે આવ આપણે કેસેટ સાંભળીએ. પણ બંનેમાંથી કોઇ ટેપરેકોર્ડર સુધી પહોંચી શકે તેમ નહોતું એટલે સંકેત બાજુમાં રહેલી ટીપોઇ બતાવી કહે કે, ‘ જય, ટીપોઇ માથે ચઢીને કેસેટ મૂક’
સૌરાષ્ટ્રમાં કોઇ પણ વસ્તુની ઉપરને બદલે માથે એવું બોલાતું હોય છે. હવે જયને તો ખબર ના પડી કે સંકેત શું કહે છે. એ તો તેની સામે જોઇ રહ્યો. એટલે સંકેત ફરીફરી એમ કહે કે,’ જય, ટીપોઇ માથે ચઢી જા’.
બેત્રણ વાર કહ્યું એટલે જયના ચહેરા પરના હાવભાવ જોવાની મને થોડેક દૂર બેઠાં જોવાની મજા પડી. જયના ચહેરાના હાવભાવ એવાં હતાં કે પહેલાં ટીપોઇ સામે જુએ અને પછી સંકેતના માથા સામું જુએ. તેના હાવભાવથી એમ લાગતું કે પહેલાં ટીપોઇ પર ચઢવાનું અને પછી સંકેતના માથા પર ચઢીને કેસેટ ટેપરેકોર્ડરમાં મૂકવાની. અને જાણે માપ કાઢતો હોય એમ ટીપોઇ પર ચઢું પછી સંકેતના માથા પર ચઢવાની શી જરૂર? પછી તો એમ જ પહોંચાઇ જવાશે.
મને આ જોઇને સંકેતના સમજાવાના ભાવ અને જયના ન સમજી શકવાને કારણે મનમાં ચાલતી ગડમથલને સમજવાનો અને તેમાંથી મળતો આનંદ માણવાની મજા પડી. થોડીવાર પછી મેં જયને કહ્યું , ‘સંકેત એમ કહે છે કે તું ટીપોઇ પર ચઢી જા અને પછી કેસેટ ટેપરેકોર્ડમાં મૂક.’
એક બીજો પ્રસંગ એકવાર મારા ભાઇના દીકરાઓને સવારથી સાંજની પીકનીક માટે જવાનું હતું. જેમણે આયોજન કરેલ તેમનો છ કે સાત વર્ષનો દીકરો આગલી રાત્રે કહેવા આવ્યો કે, ‘સવારે છ વાગ્યે આપણને ગાડી લઇને તેડવા આવશે.’
તે આવો સંદેશો કહીને ગયો પછી અમે વાતો કરવા લાગ્યાં. પરંતુ મારા ભાઇનો ચારેક વર્ષનો દીકરો તો આ સાંભળીને સાવ સૂનમૂન થઇ ગયો. આ બાજુ અમે તો બીજી વાતોમાં મશગૂલ થઇ ગયેલાં. થોડીવાર ચૂપચાપ કંઇક ગડમથલમાં વિચારતો રહીને પછી આવીને કહે કે, ‘આ લોકો અમને તેડીને લઇ જશે?( એણે તેડવાની રીત ” આમ તેડીને” બતાવીને કહ્યું હતું ) અને એનો સૂર એવો હતો કે તેડીને લઇ જતા હોય તો મારે નથી જવું. એને લાગતું હશે કે હવે આપણે નાના નથી કે તેડીને લઇ જવા પડે.
માંડ માંડ એને સમજાવ્યું કે તેડીને એટલે લેવા આવશે કે સાથે જવાનું, તેડશે નહીં. આજે પણ ક્યારેક તે પ્રસંગને યાદ કરીને તેના નાનકડાં મનમાં ચાલી રહેલી ગડમથલ અને થોડાં મોટાં થયા પછી તેડવાની વાતથી તેને કેવી શરમ આવતી હતી. આજે પણ આવાં શબ્દો સાંભળીએ તો તે હળવાશભરી રમૂજની પળ યાદ આવે છે.
થોડીક આવી જ ક્ષણો. વેકેશન હોય એટલે અમે બધાં થોડા દિવસ મમ્મીને ત્યાં સાથે રહેવા માટે જઇએ. આવા જ એક વેકેશનમાં બધા બાળકો ભેગાં મળીને રમતાં હતાં. શહેરમાં રહેતાં બાળકો અમુક શબ્દો શુદ્ધ ઉચ્ચારણમાં સમજતા હોય. તેમને નાનાં શહેરનાં કે મોટી ઉંમરના લોકોના જૂના શબ્દો ક્યારેય સાંભળ્યા ના હોય. એટલે તેમને કંઇ ખબર ના પડે.
વેકેશન એટલે ગરમીના દિવસો હોય એટલે બપોરના સમયે બાળકો તડકામાં ના રમે તે માટે તેમને બપોરના સમયે ઘરમાં રમવા કે સૂવાડવાનો પ્રયત્ન કરવામાં આવે. એકવાર મારાં મમ્મી બધાં બાળકોને ઘરમાં બોલાવીને મારાં બહેનની ૧૦ વર્ષની દીકરીને કહે કે ‘કમાડ બંધ કર’. બહેનની દીકરી તો આમતેમ જુએ, એને થાય કે શું કહે છે? કંઇક બંધ કરવાનું છે એમ સમજણ પડે પણ શું બંધ કરવાનું તે ના ખબર પડે. રૂમમાં આંટાફેરા મારે અને કોઇ બંધ કરવાની વસ્તુ શોધ્યા કરે. મારા મમ્મી ફરીથી એને કહે કે, ‘શું આમતેમ ડાફોળીયાં મારે છે? કમાડ બંધ કરને.’
બે ત્રણ વાર કહેવા છતાં પણ બહેનની દીકરીને કંઇ સમજણ ના પડી. તે કહે, ‘બંધ કર બંધ કર કહે છે પણ શું બંધ કરું? એટલાંમાં બહેન ત્યાં આવી અને આ બંને વચ્ચેની વાતચીત સાંભળીને મમ્મીને કહે કે, ‘દરવાજો કે બારણું કહીશ તો સમજશે. કમાડ કહે તો કેવી રીતે સમજે?
આવું જ એકવાર વેકેશનમાં બધાં બાળકો હીંચકા પર રમતાં હતાં. વારાફરતી કોઇને કોઇ હીંચકા ઝુલાવતું. ત્યારે ત્યાં પાડોશની દીકરી હીંચકાને બદલે હેં..ચકો એમ બોલતી. તો જયને નવાઇ લાગતી. મને બોલાવીને કહે કે, ‘જો મમ્મી આ કેવું બોલે છે, હીંચકો નાખ એમ ના કહે હેં..ચકો નાખ એમ કહે છે. અને એ વાત ઘરે આવીને ઘણા સમય સુધી યાદ કરીને કહે કે, ‘પેલી છોકરી હીંચકો એમ ના બોલે. અને તેની જ નકલ કરીને કહે કે, ‘જો આમ હેં…ચકો બોલે, જો આમ હેં…ચકો.
મિત્રો, ભલે લોકોબોલીઓ અલગ હોય પણ આપણે એકબીજા સાથે સંકળાયેલા હોઇએ એટલે દરેકને આ રીતના રમૂજી પ્રસંગો બન્યા જ હશે. જો આપ ચાહો તો આપ પણ તે હળવી પળોને યાદ કરીને તેનું વર્ણન કરીને બધાં સાથે માણી શકો છો.
