મિત્રો, ચોમાસું બરાબર જામ્યું છે, અસહ્ય ગરમી પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો આ ખુશનુમા વાતાવરણમાં ગરમાગરમ નાસ્તાની સાથે મીઠાશભરી હળવી રમૂજને માણીએ.
આપણા ગુજરાતની આપણી ભાષા ગુજરાતી પણ આપણે ત્યાં લોકબોલીઓ ઘણી છે, અલગ અલગ વિસ્તારની લોકબોલી છે. દરેક લોકબોલી સાંભળવાનો એક અનેરો આનંદ હોય છે તેમાં અલગ મીઠાશ પણ હોય છે. જો કે ક્યારેક એમાંથી હળવું હાસ્ય પણ મળે છે, જ્યારે તેને તેના સાચા અર્થમાં ન સમજીએ ત્યારે. અને તે સમયે પરિસ્થિતિ સર્જાય છે તે પણ મજાની હોય છે આવાં જ થોડાંક મજાનાં યાદગાર પ્રસંગો જે આજે ઘણાં વર્ષો પછી પણ મનઃપટલ પર સંગ્રાહેલા છે. તો આવો સાથે મળીને માણીએ.
મારો દીકરો જય જ્યારે બે વર્ષથી પણ નાનો હશે તે વખતે એક પાડોશીના ચારેક વર્ષના પુત્ર નામ તેનું સંકેત બંને વચ્ચેનો સંવાદ હું થોડેક દૂરથી સાંભળતી હતી તે પ્રસંગ. અમારા ટી.વી.ના કેબિનેટ ઉપર ટેપરેકોર્ડર હતું. સંકેત જયને કહે કે આવ આપણે કેસેટ સાંભળીએ. પણ બંનેમાંથી કોઇ ટેપરેકોર્ડર સુધી પહોંચી શકે તેમ નહોતું એટલે સંકેત બાજુમાં રહેલી ટીપોઇ બતાવી કહે કે, ‘ જય, ટીપોઇ માથે ચઢીને કેસેટ મૂક’
સૌરાષ્ટ્રમાં કોઇ પણ વસ્તુની ઉપરને બદલે માથે એવું બોલાતું હોય છે. હવે જયને તો ખબર ના પડી કે સંકેત શું કહે છે. એ તો તેની સામે જોઇ રહ્યો. એટલે સંકેત ફરીફરી એમ કહે કે,’ જય, ટીપોઇ માથે ચઢી જા’.
બેત્રણ વાર કહ્યું એટલે જયના ચહેરા પરના હાવભાવ જોવાની મને થોડેક દૂર બેઠાં જોવાની મજા પડી. જયના ચહેરાના હાવભાવ એવાં હતાં કે પહેલાં ટીપોઇ સામે જુએ અને પછી સંકેતના માથા સામું જુએ. તેના હાવભાવથી એમ લાગતું કે પહેલાં ટીપોઇ પર ચઢવાનું અને પછી સંકેતના માથા પર ચઢીને કેસેટ ટેપરેકોર્ડરમાં મૂકવાની. અને જાણે માપ કાઢતો હોય એમ ટીપોઇ પર ચઢું પછી સંકેતના માથા પર ચઢવાની શી જરૂર? પછી તો એમ જ પહોંચાઇ જવાશે.
મને આ જોઇને સંકેતના સમજાવાના ભાવ અને જયના ન સમજી શકવાને કારણે મનમાં ચાલતી ગડમથલને સમજવાનો અને તેમાંથી મળતો આનંદ માણવાની મજા પડી. થોડીવાર પછી મેં જયને કહ્યું , ‘સંકેત એમ કહે છે કે તું ટીપોઇ પર ચઢી જા અને પછી કેસેટ ટેપરેકોર્ડમાં મૂક.’
એક બીજો પ્રસંગ એકવાર મારા ભાઇના દીકરાઓને સવારથી સાંજની પીકનીક માટે જવાનું હતું. જેમણે આયોજન કરેલ તેમનો છ કે સાત વર્ષનો દીકરો આગલી રાત્રે કહેવા આવ્યો કે, ‘સવારે છ વાગ્યે આપણને ગાડી લઇને તેડવા આવશે.’
તે આવો સંદેશો કહીને ગયો પછી અમે વાતો કરવા લાગ્યાં. પરંતુ મારા ભાઇનો ચારેક વર્ષનો દીકરો તો આ સાંભળીને સાવ સૂનમૂન થઇ ગયો. આ બાજુ અમે તો બીજી વાતોમાં મશગૂલ થઇ ગયેલાં. થોડીવાર ચૂપચાપ કંઇક ગડમથલમાં વિચારતો રહીને પછી આવીને કહે કે, ‘આ લોકો અમને તેડીને લઇ જશે?( એણે તેડવાની રીત ” આમ તેડીને” બતાવીને કહ્યું હતું ) અને એનો સૂર એવો હતો કે તેડીને લઇ જતા હોય તો મારે નથી જવું. એને લાગતું હશે કે હવે આપણે નાના નથી કે તેડીને લઇ જવા પડે.
માંડ માંડ એને સમજાવ્યું કે તેડીને એટલે લેવા આવશે કે સાથે જવાનું, તેડશે નહીં. આજે પણ ક્યારેક તે પ્રસંગને યાદ કરીને તેના નાનકડાં મનમાં ચાલી રહેલી ગડમથલ અને થોડાં મોટાં થયા પછી તેડવાની વાતથી તેને કેવી શરમ આવતી હતી. આજે પણ આવાં શબ્દો સાંભળીએ તો તે હળવાશભરી રમૂજની પળ યાદ આવે છે.
થોડીક આવી જ ક્ષણો. વેકેશન હોય એટલે અમે બધાં થોડા દિવસ મમ્મીને ત્યાં સાથે રહેવા માટે જઇએ. આવા જ એક વેકેશનમાં બધા બાળકો ભેગાં મળીને રમતાં હતાં. શહેરમાં રહેતાં બાળકો અમુક શબ્દો શુદ્ધ ઉચ્ચારણમાં સમજતા હોય. તેમને નાનાં શહેરનાં કે મોટી ઉંમરના લોકોના જૂના શબ્દો ક્યારેય સાંભળ્યા ના હોય. એટલે તેમને કંઇ ખબર ના પડે.
વેકેશન એટલે ગરમીના દિવસો હોય એટલે બપોરના સમયે બાળકો તડકામાં ના રમે તે માટે તેમને બપોરના સમયે ઘરમાં રમવા કે સૂવાડવાનો પ્રયત્ન કરવામાં આવે. એકવાર મારાં મમ્મી બધાં બાળકોને ઘરમાં બોલાવીને મારાં બહેનની ૧૦ વર્ષની દીકરીને કહે કે ‘કમાડ બંધ કર’. બહેનની દીકરી તો આમતેમ જુએ, એને થાય કે શું કહે છે? કંઇક બંધ કરવાનું છે એમ સમજણ પડે પણ શું બંધ કરવાનું તે ના ખબર પડે. રૂમમાં આંટાફેરા મારે અને કોઇ બંધ કરવાની વસ્તુ શોધ્યા કરે. મારા મમ્મી ફરીથી એને કહે કે, ‘શું આમતેમ ડાફોળીયાં મારે છે? કમાડ બંધ કરને.’
બે ત્રણ વાર કહેવા છતાં પણ બહેનની દીકરીને કંઇ સમજણ ના પડી. તે કહે, ‘બંધ કર બંધ કર કહે છે પણ શું બંધ કરું? એટલાંમાં બહેન ત્યાં આવી અને આ બંને વચ્ચેની વાતચીત સાંભળીને મમ્મીને કહે કે, ‘દરવાજો કે બારણું કહીશ તો સમજશે. કમાડ કહે તો કેવી રીતે સમજે?
આવું જ એકવાર વેકેશનમાં બધાં બાળકો હીંચકા પર રમતાં હતાં. વારાફરતી કોઇને કોઇ હીંચકા ઝુલાવતું. ત્યારે ત્યાં પાડોશની દીકરી હીંચકાને બદલે હેં..ચકો એમ બોલતી. તો જયને નવાઇ લાગતી. મને બોલાવીને કહે કે, ‘જો મમ્મી આ કેવું બોલે છે, હીંચકો નાખ એમ ના કહે હેં..ચકો નાખ એમ કહે છે. અને એ વાત ઘરે આવીને ઘણા સમય સુધી યાદ કરીને કહે કે, ‘પેલી છોકરી હીંચકો એમ ના બોલે. અને તેની જ નકલ કરીને કહે કે, ‘જો આમ હેં…ચકો બોલે, જો આમ હેં…ચકો.
મિત્રો, ભલે લોકોબોલીઓ અલગ હોય પણ આપણે એકબીજા સાથે સંકળાયેલા હોઇએ એટલે દરેકને આ રીતના રમૂજી પ્રસંગો બન્યા જ હશે. જો આપ ચાહો તો આપ પણ તે હળવી પળોને યાદ કરીને તેનું વર્ણન કરીને બધાં સાથે માણી શકો છો.

શ્રી મિતાબહેન,
આમ તો હળવો લેખ એટલે ગંભીર વાત ના કરવી જોઇએ ! પરંતુ મને લાગે છે માતૃભાષા (અહીં ગુજરાતી)ની ’ બાર ગાઉએ બોલી બદલે’ ન્યાયે, વિવિધ બોલીઓ મોટાઓમાં પણ આવી રમુજીપળો સર્જી આપે છે.
આ ઉપર ડોકાયો તે મુન્શી અને હું એક દા મારા સાસરે ગયેલા ! સાસુજી અમારી કાઠીયાવાડી (તેમાં પણ પાછી બરડાની બોલી) બોલે ! જમવા બેઠા અને જમી રહ્યા એટલે રોજીંદી ટેવ અનુસાર અંતે છાસ આવે. અમારે ત્યાં ’છ’નો ઉચ્ચાર ’સ’ જેવો કરે, પાછળ વળી લટકામાં ઈ પણ ઉચ્ચારાય ! અને અંતનો સ તો સાવ અધ્યાહારમાં રહે. આથી ’છાસ’ને બદલે કહે ’સાઈ’ આપું ?
મુન્શીજી ગોટે ચઢી ગયા ! કહે ’ના..ના..જમ્યા પછી “ચાઇ” (ચા) ના ફાવે !! છાસ આપો !!!’ પછી મેં ગામમાં બધાને સમજાવી દીધું કે આ જરા બહેરો છે
આથી આવા ગોટાળા તો હજુ થશે !!! ચલાવી લેજો
(હજુ ત્યાં ઘણા ખબર કાઢે છે કે તારો પેલો દોસ્તાર હવે સાંભળતો થયો કે નહીં !! હું કહું છું, હવે તો એ પરણી ગયો ને ! સાંભળવાનું કામ જ કરે છે !!!) મજા પડી, ઘણી હળવી ઘટનાઓ યાદ આવી, આપનો આભાર.
શ્રી અશોકભાઇ,
સાચી વાત ‘બાર ગાઉએ બોલી બદલાય’ અને મોટાંઓમાં પણ રમૂજભરી પળો ઉભી થાય છે.
હમણાં તો દેશમાં મોટાં મોટાં ખજાના ખૂલે છે. આપણે તેના સમાચારો સાંભળીને કે જોઇને નાહકના દુઃખી થવું એના કરતાં આપણી પાસે રહેલા હાસ્યના ભવ્ય ખજાનામાંથી યાદગાર પળોને માણીએ અને ખુશી મેળવીએ.
અને પરણ્યા પછી તો પુરુષોને સંભળાતું બંધ થાય શકીલભાઇ પરણ્યા પછી સાંભળે છે સારી વાત કહેવાય. બાકી તો પરણેલા પુરુષો શિયાળામાં
મફલર કે ટોપીનો ખાસ ફાયદો ઊઠાવી લેતાં હોય છે.
આભાર.
અશોક્ભાઇ, આપે ‘છાસ’ શબ્દનું સરસ વિસ્તારથી વર્ણન કર્યું સાચે જ એ રીતે જ બોલાતું સાંભળ્યું છે. અને આપનો એક સરસ શબ્દપ્રયોગ ‘અધ્યાહાર’ વધુ ગમ્યો.
આપણે બહાર ગયા હોઈએ અને ઘેર મહેમાન પંચમહાલ બાજુના આવીને બેઠા હોય.આપણે આવીને સ્વાભાવિક પૂછીએ કે ક્યારે આવ્યા?તો કહેશે તૈયારીમાં.હાલ આવ્યા તેવું નહિ કહે.તૈયારીમાં એટલે શું?મને ઘણીવાર સમજાતું નહિ.મજા આવી.હળવો પણ રમુજી લેખ.અને મુનશીની હાલત ઉપર દયા આવી ગઈ.જોકે બધાની એજ હાલત હોય છે.
ભૂપેન્દ્રસિંહજી, કંઇક નવું જાણ્યું ‘તૈયારીમા’. એ લોકો એમ તો નહોતા સમજતાં કે કયારના આવ્યા? અને જવાબમાં કહેતા હશે કે હવે તો જવાની તૈયારીમાં.
મિતાબહેન, ખરેખર ગુરુજી એ દયાખાધી એવીજ “દયનીય”દશા મારી હતી, હુ “ઉપર ડોકાયો તે” તે દિવસે ડોકી ઊંચી નત્તો કરી શક્યો,આ વાત અશોકના લગ્ન પહેલાની છે[જ્યારે હજુ તેની વાત પાક્કી થઈ હતી],જીવનની હળવાશ ભરી પળો માણવીજ જોઈએ! સરસ લેખ.
આ અશોક”જી”ના લગ્ન માં પણ ખૂબ મજા પડી હતી [જાણે કોઈ ગુજરાતી ચલચિત્ર ચાલતું હોય?] આ કથા પર તો એક પોસ્ટ લખાય તો કેમ ?
હા લગ્નપછી પુરુષ માત્ર સાંભળે છે [કિંતુ પરંતુ કાન અને મગજ બંધ રાખી ને !] બોલવાનું ચાન્સ ક્યાં મળે ? [બ્લોગ સીવાય],
ઓહો !! જો અહીં જ ગોટો થઇ ગયો ! મને તો એમ કે તારે મારા સાસુજીએ બનાવેલી રસોઈ જમવી પડી તે વાતે બાપુને દયા આવી હશે
બાપુ, આ “તૈયારીમા” શબ્દ નવો જાણ્યો. પંચમહાલ તરફ જવાનું થશે તો હવે આ યાદ રાખીશું ! (હજુ આપણે આ આપણા પોતાના લોકો બાબતે પણ કેટલું ઓછું જાણીએ છીએ ! ખરેખરો આભાર આ ઈન્ટરનેટનો ! જે માત્ર કોમ્પ્યૂટરને જ નહીં, માણસને પણ માણસ સાથે જોડે છે.) ધન્યવાદ.
શકીલભાઇ, આ પુરુષોની કાન અને મગજ બંધ રાખીને સાંભળવાની વાતથી મજા આવી. આભાર
શહેરમાંથી આવનાર જો “જગ્યા” નથી એમ કહે તો અમારા ગામના લોકો હસે!
“મગન” નથી એમ કહેવાય!
“જગ્યા” તો મંદિર કે ચોરાને કહેવાય.
યશવંતભાઇ નવું જાણવા મળ્યું. આભાર.
શ્રીમતી મીતાબહેન,
અમારા ચરોતરમાં ચાલવું ને બદલે હેંડું બોલે છે. ખંભાત જનરલ
હોસ્પીટલમાં શ્રી બીપીનભાઈ શાહ ડોક્ટર હતા તે જ પૂછે ….
બોન તમે હેંડો સો તારે ચ્યા દખે સે. તેમનું બોલવાની ઢબ દર્દીની
ભાષામાં પૂછી દર્દ હળવું કરી ગમ્મત કરવાની હતી.
શ્રી ગોવિંદભાઇ,
સરસ વાત જાણી. ડૉ.ની દર્દીની ભાષામાં વાત કરીને દર્દીના દર્દને હળવું કરવાની પદ્ધતિ પણ ગમી. આપનો આભાર.
આદરણીયશ્રી. મીતાબેન
આપે બ્લોગ વિશ્વમાં ” રમુજ્ભરી વાતો ”
વાતો મુકીને ખરેખર હળવાશનો અનુભવ કરાવ્યો.
ખરેખર વાંચીને બહેન ખુબજ આનંદ આવ્યો.
બહેન એક સત્ય વાત કહું મારો દીકરાએ પણ
વાચીને ખુબજ આનંદ અનુભવ્યો.
શ્રી કિશોરભાઇ,
આજની તણાવ અને દોડધામભરી જીંદગીમાં થોડીક પળો હળવાશ અનુભવાય તે પણ જરૂરી છે. આપને અને આપના દીકરાને વાંચીને આનંદ મળ્યો તેનાથી મને પણ ખુશી મળી. આપે પણ એકાદ આવો રમૂજભર્યા કોઇ પ્રસંગનો ઉલ્લેખ કર્યો હોત તો અમે પણ આનંદ માણી શકત. આપનો આભાર.