Daily Archives: October 14, 2011

શું સાચા અર્થમાં અહંકારનું દહન થાય છે?

હમણાં થોડા દિવસો પહેલાંજ દશેરાનું પર્વ પૂરું થયું. ઘણી જગ્યાએ રાવણદહન અને રામલીલાના પ્રસંગોનું પરંપરાગત આયોજન કરવામાં આવેલ. દરેક ટી.વી ચેનલ પર મોટાભાગની ધારાવાહિકમાં પણ તેના પ્રસંગો દર્શાવવામાં આવ્યા. અલપઝલપ ધારાવાહિક જોવાની મજા કોઇ વખત માણી લઉં છું. આ વખતે ‘તારક મહેતાના ઉલટાં ચશ્મા’ ધારાવાહિકમાં આ પ્રસંગને થોડો અલગ રીતે રજૂ કરવામાં આવ્યો.  ધારાવાહિકના મુખ્ય પાત્ર  ’જેઠાલાલ’ રામનું પાત્ર રાવણદહન માટે ભજવવાનાં હતાં. અને આગલી રાત્રે તેમને સ્વપ્ન આવે છે તેમાં રાવણ તેમને પૂછે છે મારું જ દહન કેમ? તમે લોકો દર વર્ષે કંસ, જરાસંઘ, દુર્યોધન એ લોકોના દહન કેમ નથી કરતાં? એમ સંવાદ આગળ ચાલે છે. આમ જુઓ તો રાવણ તો એક મહાન જ્ઞાની હતો. એટલે રાવણદહન નહીં પરંતુ  જરૂર છે અહંકારનું દહન કરવાની. જો કે પૌરાણિક ગ્રંથના એ પ્રસંગ દ્વારા સમજાવવામાં  આવે છે કે વ્યક્તિને તેનો અહંકાર મારે છે. પરંતુ આપણે તે પ્રસંગને માત્ર પરંપરાગત ઉજવીને આનંદ માણીએ છીએ.

આના સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવ્યો(બહુ જ મોટા બ્રેક પછી મનોમંથન). જાણે અજાણ્યે કે કોઇ ગેરસમજના કારણે ક્યારેક એવું વર્તન થઇ જાય પણ એ સમજાઇ જવું જરૂરી છે કે કે ક્યાંક આપણાંમાં પણ અહંકાર તો નથી પ્રવેશી ગયો ને? એક મિત્ર નવા જ સોફ્ટવેરના જાણકાર બનેલા. એમણે અમને એક અમારી સારી ઓળખ હતી તેવી કંપનીમાં તેમના કાર્ય અંગે ભલામણ કરવા કહ્યું. મિત્ર સાથેના અને જેની કંપની હતી તે મિત્ર બંને તરફ સારા સંબંધો હોવાને કારણે અમને થયું કે ચાલો આપણી થોડીક વાત કરવાથી બંનેનું કામ થતું હોય તો સારી વાત છે. અમે તેમ કર્યું. પણ પેલા નવા નવા સોફ્ટવેરના જાણકારતો સામેથી કોઇ જવાબ આવે તેની રાહ જોયા વિના કંપનીમાં થોડા થોડા દિવસે મેઇલ કરવા લાગ્યા. અમારી જાણ બહાર. પેલા કંપની હતી તે મિત્ર કોઇ કાર્યમાં વ્યસ્ત હશે. તેમણે જવાબ આપ્યો મેઇલ દ્વારા વિનાકારણે મેઇલ ના કરશો. મેઇલ-સ્પામનો ઉપયોગ  કરવાને બદલે તેમણે માત્ર જાણ કરી. ફરી પેલા સોફ્ટવેર-મિત્રે અજાણતાં મેઇલ કરી હશે તો પેલા બીજા મિત્રે નમ્ર સૂચન કર્યું તો પેલા પ્રથમ મિત્ર તો અમને કહેવા લાગ્યા કે હવે તો એમની સાથે  આગળ કોઇ કામ નથી કરવું એમનું મારા લિસ્ટમાંથી નામ જ બાકાત. એમને તો વાત કરવાની સમજ નથી. સફળતા મળી ગઇ છે તેનું અભિમાન છે આવું બધું કંઇક. હવે એમણે એમની મહેનત દ્વારા જ સફળતા મેળવી હશે ને? બાપ-દાદાના જામેલા તૈયાર મળેલ ધંધાને સંભાળવા માટે આગળ વધારવા માટે પણ આવડતની જરૂર રહે છે. નહીં તો ધંધો ચોપટ થતાં વાર ના લાગે. જ્યારે પોતાની આવડતથી આગળ આવનાર વગર મહેનતે તો સફળતા ના મેળવે ને? સફળતા મેળવવા માટે આવડતની સાથે વિનય, નમ્રતા જેવાં ગુણોની જરૂર પણ પડે છે. એટલે જ રામ પૂજાય છે અને રાવણનું દહન થાય છે. સત્યનો અસત્ય પર વિજય, સારપનો બુરાઇ પર વિજય. એ રાવણદહનનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે આપણા અંદર રહેલા દુર્ગુણોનું દહન.

હવે પેલા બીજા મિત્રને આ વાતની જાણ હતી નહીં. બની શકે તે એમના કાર્યની વ્યસ્તતામાંથી ફુરસદ મળતાં પ્રથમ મિત્રના કાર્યનો અભ્યાસ કરવા લાગ્યા હોય. સારું લાગ્યું હશે તેથી એમણે સામેથી મેઇલ કરી. આ બાજુ પેલા પ્રથમ મિત્ર થોડા વધુ અનુભવી થવાથી અને તેમના કાર્યના થોડા મિત્રો દ્વારા વાહ! વાહ! થવાથી પોતાના કાર્યને મહાન અને બીજા મિત્રનું કાર્ય તેમને ખાસ આવડતવાળું ના લાગવા માંડ્યું.એમના આજુબાજુના મિત્રોએ એમના કાર્ય અંગે કરેલી વાહવાહથી પોતાને બિલ ગેટસ સમજવા લાગેલ કે શું ખબર નહીં?

ક્યારેક આપણે તો કોઇની મદદની કે આપણા બે બોલથી કોઇનું સારું  થાય તે ભાવના રાખી હોય તેની જગ્યાએ વાત કંઇક ઉલટી જ બને ત્યારે આપણે તો શું કરવું તે જ ના સમજાય. આ બધું જ  વિજયાદસમીના દિવસો દરમ્યાન બન્યું તો મને સવાલ થયો કે શું ખરેખર આપણે અહં કે અહંકારનું દહન કરી શકીએ છીએ ખરા? આ તો બે મિત્રોની વાત હતી. પણ શું આપણે આવી ગેરસમજ કે અહંકારથી બચી શકીએ છીએ ખરા? શું આપણે આપણા દુર્ગુણોનું દહન કરી શકીએ છીએ? એ ફરી આપણા જીવનમાં પ્રવેશે નહીં તેવું દહન? દર વર્ષે ફરી ફરી રાવણદહનની જેમ કરવું પડે તેવું નહીં.

તો પછી પેલા જેઠાલાલના સ્વપ્નમાં આવેલા રાવણની વાત સાચી છે કે મારું જ દહન કેમ? અને મારું દહન તો રામ જ કરી શકે. તો શું તમે રામ છો? તો આપણે પણ બીજાના અહંકાર વિશે વાત કરતાં પહેલાં આપણે અહંકાર વિહિન છીએ તે જાણી લેવું જોઇએ. ગર્વ અને ગૌરવ હોવાં જોઇએ. પણ તે અહંકાર ના બને તો જ…….સાચું રાવણદહન.