સહજ કર્મ એ જ ધર્મ


કર્મનો માર્ગ છોડીને વૈરાગ્યના જોશમાં બનાવેલું કઠોર અને કૃત્રિમ જીવન ક્યારેય સહજ અને સાચું જીવન નથી થઇ શકતું. કોઇ આગ્રહ કે દબાણથી થોડો સમય દિવ્ય આનંદની કલ્પનામાં વીતે પણ તેમાં કર્મથી મળનાર પ્રત્યક્ષ આનંદ ના મળે. કુદરતના કોઇ ધર્મનો આધાર  હોતો નથી, માત્ર કલ્પનાઓ હોવાથી તેનો વેગ ઓછો થાય અને કલ્પનાઓ એકસરખી ટકી પણ ના રહે.

આપણી વિવેકશક્તિથી પોતાની પ્રવૃત્તિઓ સુધારીને અને આપણામાં પ્રેમાળપણું, ઉદારતા, કૃતજ્ઞતા, પ્રામાણિકતા, સરળતા, નિર્દોષતાના ગુણોનો વિકાસ થાય તેની જરૂર છે પ્રવૃત્તિઓ છોડવાની કે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવાની જરૂર નથી.

ગીતામાં કહેવામાં આવ્યું છે કે કર્મમાં કુશળતા એનું નામ યોગ. કર્મ કરો અને છતાં બંધન ના લાગે એ રીતે કર્મ કરો. કર્મના બંધનોને ત્યજવાનું કામ અનાસક્તિ. હિન્દુધર્મના મોટા ભાગનાં શાસ્ત્રોમાં જે દિવસે વૈરાગ્ય આવે તે દિવસે જ વૈરાગ્ય લેવો એવો ઉપદેશ છે પરંતુ ગીતામાં કર્મયોગ દ્વારા  મોક્ષનો ઉપદેશ છે. કર્તવ્યબુદ્ધિથી કરાતું સહજ કર્મ ખોટું નથી ભલે તે દુનિયાદારીની દૃષ્ટિએ દોષવાળું હોય તો પણ માણસે એને ત્યજવું જોઇએ નહીં. શ્રી કૃષ્ણે યુદ્ધના સમયે અર્જુનને ઈશ્વરની મોટામાં મોટી પૂજા કર્મથી જ થઇ શકે તેનો ઉપદેશ આપેલો. માણસના સહજ કર્મના મહાભારતમાં અનેક દૃષ્ટાંતો છે. તેમાંના બે દષ્ટાંતઃ

જાજલિ નામનો એક મોટો તપસ્વી હતો. એની જટામાં પક્ષીઓએ માળો બાંધ્યો અને ઈંડાં મૂક્યા. ઈંડાં પડી ન જાય તે માટે તે જડની જેમ સ્થિર બેસી રહ્યો અને બચ્ચાં ઉડી ગયા ત્યાં સુધી એમને એમ બેસી રહ્યો. તેથી તેને ભારે તપસ્વી હોવાનું ભારે ગર્વ થયું. પણ એ જ વખતે આકાશવાણી સંભળાય છે કે તારા કરતાં તો કાશીનો તુલાધાર નામનો વૈશ્ય ધર્મના સ્વરૂપને સારી રીતે સમજી શકે છે. જાજલિ તુલાધાર વૈશ્યને મળે છે અને ધર્મ વિશે પૂછે છે ત્યારે તુલાધાર કહે છે કે રહસ્યસહિતના સનાતન ધર્મને હું જાણું છું. તમામ જીવ તરફની અનુકંપા અને મૈત્રી એ જ ધર્મ છે. જે હંમેશા સહુનો મિત્ર છે અને મન કર્મ અને વચનથી સહુનું હિત ઇચ્છે છે તે જ ધર્મને સાચી રીતે જાણે છે. જેમ તુલા-ત્રાજવાની દાંડી સ્થિર છે એમ હું મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરું છું અને કયારેય મારા ગ્રાહકને છેતરતો નથી.

બીજું એક દૃષ્ટાંત ચંડકૌશિક નામનો મહાન તપસ્વી એક ક્રોધી બ્રાહ્મણ હતો. પોતાનાં ઘરડાં માબાપને ત્યજીને તેણે જંગલમાં જઇ ઊંધે મસ્તક લટકીને ઉગ્ર તપ કર્યું હતું. તેણે ઘણી સિદ્ધિ મેળવેલી. એકવાર તેના પર ઝાડ પર બેસેલી બગલી ચરકી ગઇ તો તેણે ક્ષણવારમાં તેને ભસ્મીભૂત કરી નાખેલી. એકવાર તે ભિક્ષા માંગવા એક બ્રાહ્મણીના ઘર આગળ ઊભો રહે છે. ધર્મિષ્ઠ બ્રાહ્મણી ઘરમાં ભિક્ષા લેવા જાય છે પરંતુ તે જ વખતે બહાર ગયેલો તેનો પતિ આવે છે અને બ્રાહ્મણી પતિની સેવામાં બહાર ભિક્ષા માટે બ્રાહ્મણ ઊભો છે તે ભૂલી જાય છે. પછી અચાનક યાદ આવતાં તે ભિક્ષા લઇ દોડતી બ્રાહ્મણને આપવા આવે છે અને માફી માગે છે. પરંતુ ચંડકૌશિક ગુસ્સે થાય છે અને જેમ જેમ પેલી બ્રાહ્મણી નમ્ર બની માફી માગવા લાગી તેમ ચંડકૌશિક વધુ ગુસ્સે થવા લાગ્યો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે શું આપ મને પેલી બગલી માની બેઠા છો કે હું આપના ક્રોધથી બળીને ભસ્મ થઇ જઇશ? ચંડકૌશિક વિચારવા લાગ્યો કે મેં બગલીને ભસ્મ કરી નાખી તે આ બ્રાહ્મણીને કેવી રીતે ખબર પડી? તેણે બ્રાહ્મણીને પૂછ્યું કે મેં બગલીને ભસ્મ કરી છે તે વાતની તને કેવી રીતે ખબર પડી? તો બાઇએ જવાબ આપ્યો કે તે જાણવું હોય તો ધર્મવ્યાધ પાસે જાઓ. ધર્મવ્યાધ એક કસાઇ હતો. ચંડકૌશિક આશ્ચર્ય થયું તે કસાઇને ત્યાં ગયો તો કસાઇ કહે આવો મહારાજ આપને પેલી બ્રાહ્મણીએ મોકલ્યા છે ને? પણ આપ હમણાં ઊભા રહો. મને મારો ધંધો કરી લેવા દો. પછી હું આપને રહસ્ય કહું છું, ચંડકૌશિકનું આશ્ચર્ય વધવા લાગ્યું. કસાઇ તેનો ધંધો પતાવી પછી એક આસન આપી બ્રાહ્મણને બેસાડીને સ્વધર્મનો મહિમા સમજાવ્યો કે મારે ભાગે જે કર્મ આવ્યું છે તે કામ હું નીતિથી કરું છું પ્રાણીઓને હું ઓછામાં ઓછી પીડા થાય તેવું કરું છું. જરૂર જેટલું કમાઉં છું મારાં માતાપિતાની સેવા કરું છું. અને કહ્યું કે જ્ઞાન મેળવવા જંગલમાં ભટકવું કે ઊંધા મસ્તકે લટકીને તપ કરવું જરૂરી નથી. આપણે આપણો કર્મનો ધર્મ  નિષ્ઠાથી કરીએ તો બધું જ્ઞાન સહજ રીતે આવી જાય છે. હું અને પેલી બ્રાહ્મણી પોતાના કર્મનો ધર્મ બરાબર પાળીએ છીએ.

7 responses to “સહજ કર્મ એ જ ધર્મ

 1. “રહસ્યસહિતના સનાતન ધર્મ”

  વાહ મીતા બહેન વાહ,

  હવે પ્રભુની વાતો પણ લખવા માંડી વાહ!!

  બન્ને ઉદાહરણ અતિ ઉત્તમ છે.

  તમે કર્મની મહિમાનો પ્રચાર કરી નાંખ્યો સારી વાત છે ઉત્તમ !! પણ હવે પ્રશ્ન ઉઠે છે સારુ કર્મ કયુ અને ખરાબ કર્મ કયુ. એ વિવેક કોણ શીખવે છે. કોઈ ગુરુ, કે જરુરત કે અન્ય કોઈ.

  હવે મને કહો કે સારુ અને ખરાબ એ જ્ઞાન કોણ આપે છે, કોઈ પોતે તો નથી શિખીને જન્મતાને, એમને પણ કોઈએ એ જ્ઞાન આપ્યુ જ હશે ને.

  કસાઈને પેટ ભરવા માટે કોઈ પક્ષી કે પ્રાણીને વધવો જ પડે છે. થાય છે હત્યા!!

  ફાઈટર પ્લેનનો પાયલટ ને પણ બોંબ ડ્રોપ કરવો જ પડે છે, અથવા તો દુશ્મન વિમાનને પાડવુ જ પડે છે. તો થઈને હત્યા !!

  એક સૈનિકને પણ સરહદ પર દુશ્મન પર ગોળીબાર કરવો જ પડે છે. પણ એનુ ફળ તો પાપ બને છે.

  ગીતામાં ક્રષ્ણએ ૧૮ અક્ષહૌણી સેનાનો નાશ કરાવી નાંખ્યો એવુ સતી ગાંધારીએ કહ્યુ હતુ જે રોકી શકાયો હોત. આમાથી સ્વર્ગ માં કેટલા ગયા અને નરકમાં કેટલા??

  મુળ વાત તો એ છે કે ત્યારે ક્રષ્ણને બુધ્ધ જોડે ઓળખાણ જ ન થઈ હતી અથવા તો તેમને બુધ્ધ નો અવતાર આવશે એ ભવિષ્ય દેખાણુ જ નહિ હોય. પ્રભુ યીશુ પણ અવતરશે એવુ ભવિષ્ય જોયુ જ નહિ હોય, સાઈબાબા અવતરશે એ પણ જાણ્યુ નહિ જ હશે કેમ કે ત્યારે મહાભારતના લેખકને એ ભવિષ્ય જોવાનુ જ્ઞાન હતુ જ નહિ એટલે એ મહાગ્રંથના લેખકે પ્રભુ યીશુ, બુધ્ધ એન સાઈબાબાની અને મહાવીરજીને વાતએ લખી જ ન હતી.

  નહિ તો ક્રુષ્ણએ તેઓના ઉપદેશમાંથી થોડુ ઘણુ પાંડવો અને કૌરવો અને યાદવોને પણ શીખવ્યુ હોત પણ આંધળા બની ને ખાડો ખોદે જ રાખો ફળની ચિંતા જ ન કરો તો પછી જે એવુ માનીને ખાડો ખોદે જ રાખશે તો પછી એ પોતે જ એવા ઉંડાણમાં ગરકવ થઈ જશે કે એને બહાર કાઢવો અતિ મુશ્કેલ બની જશે.

  પરમાત્માને પામ્યા પહેલા જ સન્યાસ લઈ લેવો, ઘરબાર-પત્ની-બાળકો તરછોડી દેવા, મંદિર બાંધવા પણ પરમાત્માને ન જાણવા, લોકોને દિક્ષાઓ આપીને અંધકારમાં ભટકાવી મારવા, અકર્મણ્યતા વધારવી, વગેરે વગેરે એ પાપના કામો છે

  એટલે વિવેક વાપરવો પડે છે અને સાચો વિવેક ફક્ત પરમાત્મા જ આપે છે, કોઈ ગુરુ નહિ. આત્માને ગમે એવા કામો કરો એટલે પોતે પણ આનંદિત અને મેળવનાર પણ આનંદિત.

  એટલે જ આત્માના સહજ કર્મ એ જ ધર્મ છે બાકી બીજુ બધુ લુચ્ચાઈ જ છે. સ્વયં પ્રત્યે અને જગતભરના માનવસમાજ પ્રત્યે.

  અને આત્માને ગમે એવા કામો એટલે મનુષ્યને પ્રેમ, દયા, સેવા, સહનશીલતા, સંયમ, ધીરજ, વિનય, વિવેક વગેરે વગેરે કરવો અને આપવો છે અને એવા કામો કરનારને કોઈ ધર્મ ના બંધન જકડતા જ નથી.

  એટલે ભાર દઈને કહુ છુ કે આત્માના સહજ કર્મ એ જ ધર્મ છે, બાકી બધુ જ લુચ્ચાઈ છે, સ્વયં પ્રત્યે અને જગતભરના માનવસમાજ પ્રત્યે.

  એનુ ઉદાહરણ છે પ્રભુ યીશુ, અને સાઈબાબા, બુધ્ધ ભગવાન, ભગવાન મહાવીરજી અન્ય બીજુ કોઈ જ નહિ………

  Like

  • રાજેશભાઇ ખૂબ આભાર. આપની વાત સાચી છે. પરમાત્માને પામ્યા પહેલા જ સન્યાસ લઈ લેવો, ઘરબાર-પત્ની-બાળકો તરછોડી દેવા, મંદિર બાંધવા પણ પરમાત્માને ન જાણવા, લોકોને દિક્ષાઓ આપીને અંધકારમાં ભટકાવી મારવા, અકર્મણ્યતા વધારવી, વગેરે વગેરે એ પાપના કામો છે

   Like

 2. મીતાજી,
  સરસ લેખ મુક્યો છે.આ નસીબ વગર પાંદડું એ હલતું નથી તેવી માન્યતાએ ભારત ને અકર્મણ્યતા તરફ ધકેલી દીધું.બધા બાવાઓ ભિખારી બનીને બેસી રહે છે.એમના મોક્ષ ની કિંમત આપણે ચુકવવાની.એમની સાધના માટે સગવડ આપણે પૈસે થાય.સ્વાર્થ એમનો પૈસા આપણી મહેનત નાં વપરાય.એમને મોક્ષ મેળવવો હોય તો મેળવે.આપણે એમના માટે મહેનત કરવાની?બહુ સારું લખ્યું છે.આતો બધા ભાગેડુઓ મફતિયા આળસુઓ છે.

  Like

  • ભૂપેન્દ્રસિંહજી આભાર. સાચી વાત છે પુરુષાર્થને કે કર્મને મહત્વ આપવાને બદલે બીજા તરફ સહાયની આશ અને નસીબ પર આધાર રાખીને બેસી રહેવાની માનસિકતાએ ભારતને પાછળ ધકેલી દીધું છે.

   Like

 3. મીતા બહેન,
  કર્તવ્ય ત્યાગ ને ત્યાગ ન કહેવાય તે તો પલાયનવાદ છે .
  પરંતુ મોટે ભાગે કર્તવ્ય ત્યાગી ઓ નેજ મહાન માનવામાં આવે છે.
  કર્તવ્ય ત્યાગી કરતા કર્તવ્ય પારાયણ વધારે મહાન છે .
  પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

  Like

 4. શ્રી મીતાબહેન,
  આપે જ્યારે આ લેખ લખ્યો ત્યારે હું રાણાવાવ ગયો હતો તેથી પ્રતિભાવ આપી શક્યો નહોતો. સ્વામી વિવેકાનંદે “બંને પોતપોતાના સ્થાને મહાન છે” તેવા તેમના કર્મયોગ ઉપરના પ્રવચનમાં આ જ ઉદાહરણો આપ્યા છે. તેમાં તેઓ કહે છે કે ગૃહસ્થ અને સંન્યાસી બંને પોતપોતાના સ્થાને મહાન છે. પણ એકનું કર્મ બીજા માટે યોગ્ય નથી. ગૃહસ્થ જો પોતાનો ગૃહસ્થ ધર્મ અને સંન્યાસી જો સંન્યાસનો પોતાનો ધર્મ નિષ્ઠાપૂર્વક બજાવે તો બંને એક જ સ્થાને પહોંચે છે. આમે ય કર્મનો મર્મ સમજવો ઘણો કઠીન છે એટલે જ તો કહ્યું છે ને કે:-
  “ગહનો કર્મણા ગતિ:”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s