Monthly Archives: ઓક્ટોબર 2010

અંગ્રેજોની રાજનીતિ અને વ્યાપારનીતિઃ મારું અવલોકન

મારા ‘એક બ્રેક તો બનતા હૈ’ નામના લેખમા ભૂપેન્દ્રસિંહજીએ પ્રતિભાવમાં કહેલું કે લંડન જઈને ત્યાંનો અભ્યાસ કરીને લખજો કે આ ધોળીયાઓએ આખી દુનિયા પર રાજ કઈ રીતે કર્યું હતું?મુઠ્ઠી જેવડા દેશના ગણ્યા ગાંઠ્યા લોકોએ ભારત જેવડા મોટા દેશ પર કઈ રીતે ૨૦૦ વર્ષ જોહુકમી ચલાવી?એમાંથી કશું શીખવા મળે.હજુ સુધી શીખ્યા છીએ ખરા?આપ લખી શકશો એવી આશા છે.

હવે આ વિષયમાં હું તો શું લખી શકું? ભારત જેવડા મોટા દેશ પર ૨૦૦ વર્ષ રાજ કર્યું તેનો આખો ને આખો ઈતિહાસ છે જ આપણી સમક્ષ. હું આ ધોળિયાઓનો અભ્યાસ થોડા મહિનાઓમાં શું કરી શકવાની હતી?  છતાં થોડુ મારી રીતે અંગ્રેજોએ આખી દુનિયા પર કઇ રીતે રાજ કર્યું તેના વિશે થોડું અમુક વાંચનના આધારે માહિતી લખવાનો પ્રયાસ  કરું છું.

પરંતુ તે પહેલાં અંગ્રેજો ભારત પર ૨૦૦ વર્ષ રાજ કેમ કરી ગયા તેને માટે આપણા પોતાની જ નબળાઇઓ જવાબદાર હતી. આમ તો હું ખાસ ટી.વી.ની રોનાધોના સાસબહુ સિરિયલ નથી જોતી. પણ હમણા ઝી ટી.વી. પર આવતી ‘ઝાંસી કી રાની’ સિરિયલ જોવી ગમે છે. માત્ર તે જ જોઇને લાગે કે અંગ્રેજો કરતાં આપણી રાજકીય વ્યવસ્થા, સમાજિક કારણો અને બીજા આપણાં જ કારણો જવાબદાર હતાં જેને લીધે આ લોકો આપણા પર રાજ કરી ગયા. માનો કે ધારાવાહિક હોય અને ૫૦ ટકા પણ વધારીને બતાવતાં હોય તેવું માનીએ તો પણ જોઇને લાગે કે અંગ્રેજો કરતાં આપણાં અંદર અંદરના કાવાદાવા સામે લડવામાં જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો મોટાભાગનો સમય અને જિંદગી વેડફાઇ ગઇ હશે.

આજના આધુનિક બિઝનેસનો આધારસ્તંભ શેરબજાર અંગ્રેજોએ સૌપ્રથમ શરૂ કરેલું. આજથી ૫૦૦ વર્ષ પહેલાં લંડનમાં શેરબજાર શરૂ થયેલું શેરબજારના કારણે બીજા ઘણા બિઝનેસ શરૂ થયા. દેશના લોકો પાસેથી ફાઇનાન્સ મળવા લાગ્યું અને તેથી અંગ્રેજોનો શિપિંગ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ આ કો-ઓપરેટિવ ફાઇનાન્સના કારણે વધ્યો. તેઓએ સારા શિપિંગ બિઝનેસ માટે સારા શિપ તૈયાર કર્યા અને તેઓ એક શિપમાં માલ અને તેની રક્ષા માટે આગળપાછળ વૉર શિપ(લડાકૂ શિપ) રાખતા. આવી આધિનક ફેસિલિટી બીજા દેશો કે ભારત પાસે નહોતી ચાંચિયાઓથી બચવા. અને અંગ્રેજો જ્યાં પણ બિઝનેસ માટે જતાં ત્યાં એમના આર્મીશીપ લઇને જતાં તથા તેઓ જરૂર પડે આ આર્મીનો ઉપયોગ બીજા દેશોને કેપ્ચર કરવામાં પણ કરતાં. દા.ત. જેમ કે ભારતમાં બિઝનેસ માટે જ આવેલા અને આપણાં નાનાં નાનાં રજવાડાઓમાં વહેંચાયેલો દેશ અને એકતાનો અભાવ ને અંદરોઅંદર લડાઇ અને ઇર્ષાખોરી, એકબીજા રાજ્યો ખાસ એકબીજાને મદદ નથી કરતાં આવું બધું જોઇને તેઓએ લાભ લેવા માંડ્યો. એકાદ નાનું રજવાડું અંગ્રેજોની મદદ લઇને બીજા મોટાં રજવાડાને હરાવવાં લાગ્યાં અને તેના બદલામાં અંગ્રેજો પોતાનો લાભ લેતાં અને ધીમે ધીમે પગપેસારો કરવા લાગ્યાં. આધુનિક શસ્ત્રો અને સિસ્ટેમેટિક યુદ્ધનીતિ હોવાને લીધે નાનાંમોટાં રજવાડાઓને આસાનીથી હરાવવા લાગ્યા અને આપણા દેશને જ લૂંટીને એમના રક્ષણ માટે અને યુદ્ધ માટેનું ધન મેળવવા લાગ્યા અને સાથે સાથે તેમનો વ્યાપાર પણ વધારવા લાગ્યા. શરૂઆતમાં આપણા દેશમાં અંગ્રેજોની સાથે જર્મન, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ લોકો પણ આવેલા. આ લોકોએ પણ તેમના બિઝનેસ થાણાં ભારતમાં સ્થાપેલા. તેમાં માત્ર અંગ્રેજો જ ટક્યા તેમાં તેમની સિસ્ટેમેટીક બિઝનેસ નીતિ અને તેમના દેશનું મની પાવર બેક અપ જવાબદાર હતું. ફ્રેન્ચ, જર્મન લોકો પાસે આવું બેકઅપ નહોતું પોર્ટુગીઝ લોકોએ અંગ્રેજોનું જોઇને શરૂ કરેલું પણ અંગ્રેજો જેવું પરિણામ મેળવી શકેલા નહીં. અંગ્રેજો જ્યાં પણ ગયા ત્યાં તેમના આ મલ્ટિનેશનલ ઓર્ગેનાઇઝડ બિઝનેસને કારણે ચીન,ભારત, અને એશિયાના બીજા ઘણા દેશો અને દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં પણ આ જ નીતિ વાપરેલી.

બીજું અંગ્રેજો જ્યાં પણ જાય ત્યાં ડિવાઇડ એન્ડ રૂલનો ભરપૂર ઉપયોગ કરતાં. ૧૮૫૭નો ઈતિહાસ જોયા પછી લાગે કે ભારતમાં આટલા વર્ષ રાજ્ય કરી ગયા તેમાં આપણી જ નબળાઇઓનો અંગ્રેજોએ ભરપૂર લાભ લીધો છે. એડમિનિસ્ટ્રેશનમા આપણા જ લોકો હતાં. સૈનિકો આપણા હતાં. ઉચ્ચ સ્થાન પર ગણ્યાંગાંઠ્યા લોકો જ અંગ્રેજો હતા. તે સિવાય આપણાં જ લોકો હતાં.
જો કે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી પછી જ ભારત એક મોટો દેશ બન્યો છે બાકી પહેલાં નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. સરદાર વલ્લભભાઇ પટેલનું ખૂબ જ યોગદાન છે આઝાદી પછી નાના રાજવાડાઓને એક ભારત નામનો દેશ બનાવવામાં. તે પહેલાં ભારત એક દેશ નહોતો કે અંદરઅંદર એકતા પણ નહોતી( જો કે આજે પણ છે કે નહીં તે પ્રશ્ન છે!)

ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૮૫૭ પછી ડિસ્વોલ્વ કરીને રાણીનું રાજ્ય આવી ગયેલું અને બધા જ હક્કો રાણીએ લઈ લીધેલાં એવું કહીને કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઓફિસરો -કંપની બહાદૂર આટલા મોટા દેશને સંભાળી નહીં શકે.

આપણા દેશના લોકો પણ વ્યાપારમાં આગળ પડતાં હતાં. દરિયાઇ બિઝનેસમાં ચીન, જાવા, સુમાત્રા એમ એશિયાના ઘણા દેશોમા અને દક્ષિણ આફ્રિકામાં તો ગુજરાતીઓ જ પહેલાં હતાં વ્યાપાર માટે. પરંતુ ક્યારેય આપણા લોકોએ બીજા દેશોને કેપચર્ડ કરવાનું તો ઠીક એક ઓર્ગેનાઇઝડ વ્યાપાર નીતિ વિશે પણ ના વિચાર્યું.

ટૂંકમાં અંગ્રેજોએ પહેલાં આર્થિક વ્યવસ્થા મજબૂત કરી અને સાથે સાથે સંરક્ષણ વ્યવસ્થા પણ મજબૂત કરી અને તેથી જ દુનિયાના મોટાભાગના દેશો પર રાજ કર્યું. 

આના સંદર્ભમાં અહીં મને એક વાત લખવાનુ મન થાય છે  એકવાર એરફોર્સના વડા મિ. ત્યાગીના સેમિનારમાં મિ. ત્યાગીએ  હસતાં હસતાં ગુજરાતીઓ વિશે કહેલું કોઇપણ દેશને આર્થિક રીતે સદ્ધર હોવા સાથે સંરક્ષણમાં પણ સદ્ધર હોવું જોઇએ. એના માટે ગુજરાતીઓ બિઝ્નેસમાં કમાઇને દેશને આર્થિક સદ્ધર બનાવવામાં ફાળો આપી જ રહ્યા છે. અને સંરક્ષણમાં પણ આગળ વધે તો ગુજરાતને માટે ગર્વની વાત કહેવાશે.

આમેય સુપર પાવર દેશ માટેની વ્યાખ્યા એટલે ચમચમાતી આર્થિક વ્યવસ્થાની  સાથે ચમચમાતી સંરક્ષણ વ્યવસ્થા, શિક્ષા, સ્વાસ્થ્ય,  જીવનસ્તર અને રાજનૈતિક માહોલ.

હમણાં પસાર થઇ ગયેલી ભારે વૈશ્વિક મંદીમાં એક માત્ર ભારત જ આર્થિક રીતે મજબૂત રહ્યું અને ભારત પાસે સંરક્ષણ વ્યવસ્થા પણ મજબૂત છે. પરંતુ હજારો વર્ષ ગુલામ રહેલું ભારત આઝાદીને પચાવી શક્યું નથી. આમ તો આઝાદી કેવી રીતે મળી છે તે બધા જાણે જ છે. લૂટવાનું હતું તે લૂંટાઇ ગયેલું. અને અંગ્રેજોએ પણ વર્લ્ડ વૉરના કારણે આઝાદી આપી દીધેલી. એ પણ એમની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ પ્રમાણે જ પાકિસ્તાન નામનો દેશ તૈયાર કરીને. જો કે હવે પણ ખાસ બદલાયું નથી હવે મુઠ્ઠીભર અંગ્રેજોની જગ્યાએ મુઠ્ઠીભર નેતાઓ આ દેશને લૂંટી રહયા છે.

એક બ્રેક તો બનતા હૈ ના?

 

બ્લોગ મિત્રો એવું ના માની લેતાં કે નવરાત્રિનાં ગરબાનો થાક ઉતારવા અને આવનારી દિવાળીના લીધે ઘરની સફ઼ાઇ, કરવાના લીધે બ્રેક જાહેર કરું છું ( જો કે આમેય પોસ્ટ નિયમિત તો મૂકાતી જ નથી. એટલે બ્રેક તો આમેય હોય જ છે શું ફ઼રક પડે છે? નહિં લખું તો પણ) આમ તો દિવાળીમાં ઘરની સફ઼ાઇ સાથે મનમાં થયેલા જાળાં પણ સાફ઼ થવા જોઇએ એ જ સાચી સફ઼ાઇ.

તો મિત્રો નવરાત્રિ કે દિવાળીને કારણે નહીં પણ થોડા મહિના માટે લંડન જવાનું હોવાથી થોડા દિવસો બ્લોગ પર નવી પોસ્ટ મૂકી શકાશે નહીં. પરંતુ બીજા બ્લોગ પરના લેખ વાંચવાનું કે દરેક લેખમાં કંઇક તો સારું હોય જ છે એટલે અને નવા પ્રયાસ બદલ પણ “લાઇક” આપવાનું તો ચાલુ જ રહેશે.

હમણાં બનેલી એક રમૂજભરી વાત મારા વિસા માટે ઈન્ટરવ્યૂમાં જે ભાઇ હતા તે પૂછે કે કોણ છે તમારું ત્યાં તો મે કહ્યું કે મારા પતિ છે અને એમણે જ સ્પોન્સર મોક્લ્યા છે, ફ઼ાઇલમાં છે જ. તો એ ભાઇ કહે કે બીજું કોઇ નજીકનું છે લંડનમાં?

મને કહેવાનું મન થઈ ગયું કે ભાઇ પતિથી વધુ નજીકનું કોણ હોય બીજું? પણ શું થાય ત્યાં પૂછ્યું હોય તેનાથી વધારે તો કંઇ બોલાય જ નહીં(ભાઇ ખુરશીનો ફ઼ર્ક પડે ને?) વીસા ના આપે તો? અને મારી હવે વધારે એકલા રહેવાની ક્ષમતા પણ રહી નહોતી.

ખાસિયતોના આધારે વ્યક્તિત્વ

આમ તો દરેક વ્યક્તિ યુનિક હોય છે. દરેકની પોતાની અલગ ખાસિયતો હોય છે. પરંતુ કેટલીક ખાસ ખાસિયતોને આધારે અમુક પ્રકારના વ્યક્તિતવ ધરાવતી વ્યક્તિઓ જોવા મળે છે. અને આ ખાસ પ્રકારની ખાસિયતોની થોડી ખામીઓ પણ હોય છે. તો એવા કેટલાક વ્યક્તિત્વની ખાસિયતો અને ખામીઓ તરફ઼ નજર કરીએ.

૧. અમુક લોકોને લોકોનું ધ્યાન આકર્ષિત કરવું ગમે છે. આવા લોકોનું ડ્રેસ સેન્સ એવું હોય કે જેનાથી લોકો તેમના તરફ આકર્ષાય. ડાર્ક કલરના કપડાં પહેરે છે અને એક્શન એવી હોય કે લોકો તેનાથી આકર્ષાય.મોટી મોટી વાતો કરવી ગમે છે.બહુ જ ઈઝી ગોઇંગ લોકો હોય છે. લોકોને એકઠાં કરીને વાતો કરવી ગમે છે લોકો ના આવે તો સામેથી બોલાવે અને વાતો કરવા માંડે છે જેમ વધારે લોકો તેમ વધારે ખીલે છે. જ્યાં સુધી વાતો ન કરે અથવા કંઇક બતાવે નહીં ત્યાં સુધી મઝા નથી આવતી. નામના વધારે મળે તેવું વધુ ગમે કોઇક તેમનું માન વધારે તે ગમે છે.આવા લોકો દરેકને ઉત્સાહિત કરે તથા લોકોનું મનોરંજન કરવામાં ઉસ્તાદ હોય છે. પાર્ટી, લગ્ન તથા કોઇપણ મેળાવડામાં લોકોને આકર્ષિત કરે છે લોકોને પણ એમને સાંભળવા ગમે છે. એમનામાં જ ઘણા જ નવા આઇડિયા આવે છે. પણ આઇડિયા ઉપર અમલ કરવા માટે આવી વ્યકતિ પરફેક્ટ નથી હોતી. તેમનું કામ સિર્ફ નવા આઇડિયા આપવાનું જ હોય છે. આવા લોકો સાથે બિઝનેસ તથા હરવું ફરવું ઘણું જ આનંદદાયી હોય છે.

આવા લોકોની ખામીઓઃ

આઇડિયા આપી શકે પણ અમલ ના કરી શકે કે એટલે કે કામ પૂરું ના કરી શકે ડિટેઇલ સમજીને કામ પૂરું કરવામાં તેમને મજા નથી આવતી. માત્ર આઇડિયા આપવા જ ગમે. વધારીને વાતો કહેવાની આદતને કારણે વાતોમાં ડિટેઇલ વધારે મહત્વની નથી હોતી પણ લોકોને મજા આવે છે તે વધારે મહત્વનું છે.

કોઇપણ નાની વાત કહેવી હોય તો પણ તેની મોટી સ્ટોરી બનાવીને અને વધારીને લોકોને ગમે કે મજા આવે તે રીતે કહે છે. વાત વાધારીને કહેવાનો ઇરાદો ખરાબ ના હોય માત્ર એમનો સ્વભાવ એવો હોય છે. પરંતુ ઘણીવાર વધારીને વાત કહેવામાં બીજા લોકો પરેશાન થઇ જાય છે કે જેના વિષે વાત કહી રહ્યા હોય છે.

૨. બીજા એવા પ્રકારના લોકો હોય છે જેઓ હંમેશા લોકો પર કંટ્રોલ રાખે છે. જેમ કે આર્મી, પોલીસ તથા મેનેજર આવી પર્સનાલીટીમાં આવે. તેમનું કામ માત્ર ઓર્ડર કરવાનું અને બીજાને રાહ બતાવવાનું હોય છે. આવા લોકો હંમેશા ઓર્ડરથી વાત કરે છે. એમની વાત કરવાની ટેવ જ હુકમ કરવાની હોય છે. એટલે ક્યારેક આવા લોકો કોઇનો ઇગો હર્ટ કરી શકે. પરંતુ આ પર્સનાલિટીના લોકો કોઇપણ કામ પાર પાડવા માટે ઘણા જ સારા સાબીત થાય છે. ઘણું સારું કામ કઢાવી શકે. એટલે કે કામમાં પરફેક્ટ હોય છે.

આવા લોકોની ખામીઓઃ

વધારે પડતો કંટ્રોલ ક્યારેક કામ બગાડી શકે છે. અને તેમની પાસેથી કંટ્રોલ પાછો લેવો પણ મુશ્કેલ હોય છે. બીજાનું કહ્યું જલ્દી ના કરે.

૩. ત્રીજા પ્રકારના લોકો જેઓ કોઇપણ વિષયમાં વધુ પડતા ડિટેઇલમાં જાય. વધારે પડતા વિષયના ઉંડાણમાં જવાની ટેવને લીધે નિર્ણય લેવામાં થોડીવાર લાગે પણ એકવાર નિર્ણય લઇ લે પછી કામ સારી રીતે પાર પાડે. અને સફળતા પણ જલ્દી મેળવે. વધારે પડતા સવાલો પૂછે પણ તેમના જવાબ એકવાર સંતોષકારક મળી જાય તો ખુશ થઇ જાય.આવા લોકો સારા માબાપ બને છે બાળકોનું બહુ જ ધ્યાન રાખે છે તથા તેમને ભવિષ્યનું પ્લાનિંગની ચિંતા હોય. સાયન્ટિસ્ટ અને પ્રોફેશનલ લોકો આ પર્સનાલિટીમાં આવે.

ખામી માત્ર નિર્ણયશક્તિ ધીમી હોય છે.

૪.આ પ્રકારના લોકો આરામપ્રિય હોય અને ઓછા ઉત્સાહવાળા હોય છે. ઓછી મહેનત કરવી પડે તેવું જ કામ શોધે. પોતાની જાતને લોકોથી દૂર રાખે છે. માન સન્માન માટે પણ કોઇ ઉત્સાહ ના બતાવે. ઓછું બોલવાવાળા હોય છે. પણ લોકોને ધ્યાનથી સાંભળે. અને ખૂબ જ ધીરજવાળા હોય છે. કોઇ દુઃખી હોય અને આવા લોકો પાસે જાય તો મનને હળવું કરવા માટે ઘણા જ સારા ગણાય છે. લોકોને ધ્યાનથી સાંભળીને તેમની વાતોનું સમાધાન કરી આપે છે. ક્યારેય કોઇની સાથે વાદવિવાદ ના કરે. દરેકની વાત સાંભળીને પોતાની સલાહ આપે. અને ક્યારેક સામી વ્યક્તિની વાત ખોટી લાગે તો પણ તેને સાચો કહીને કે બીજી રીતે વાતનો અંત લાવી દે. યુનિટી રાખવાની ગમે છે.

ખામીઓમાં ઓછો ઉત્સાહ અને આરામપ્રિયતા.

અગણિત દેવતાઓ,આરાધના,ભક્તિ,કલ્પાનાઓ…અને દુર્બળતા?

માણસ સમૂહ કરીને રહેવા લાગ્યો પછી માનવીના મનમાં પ્રથમ દેવતાઓની કલ્પના આવ્યા પછી આરાધના અને પછી તપની કલ્પના આવી હોવા છતાં મોટાભાગે સમાજ દેવતાઓની આરાધનામાં જ લાંબો વખત રહેતો હોય છે તેવું લાગે છે. તિથિ કે પર્વ ના દિવસે એકાદ વ્રત કરવા સિવાય સાધારણ લોકોમાં તપનું મહત્વ બહુ ઓછું જોવા મળે છે. મોક્ષની કલ્પનામાંથી જ તપનું મહત્વ આવ્યું હોઇ શકે. દર્શનનો ઉપયોગ જીવ અને જગતનો સંબંધ વધુ સારો બનાવવા માટે કરવાને બદલે મોક્ષપ્રાપ્તિ માટે વધુ થવા લાગ્યો છે. ભગવાનના અવતારની કલ્પના પછી પૌરાણિક દેવતાઓની આરાધના શરૂ થઇ. અને આરાધના અને તપની મિશ્ર કલ્પનામાંથી ભક્તિની ભાવના ઉદભવી.

ભક્તિમાં પણ સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ એવા બે ભેદ છે. આ લોકના સુખ માટે સકામ ભક્તિ અને મોક્ષ માટે નિષ્કામ ભક્તિ.તત્વજ્ઞાન અને અવતારવાદનો મેળ બેસાડવાના પ્રયત્નમાંથી સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર વગેરે ઈશ્વર વિશેની કલ્પનાઓ આવી છે તેમનો મેળ બેસાડવાના સતત પ્રયત્નને પરિણામે પરમેશ્વરને નિર્ગુણનો સગુણ અને સગુણનો નિર્ગુણ, નિરાકારનો સાકાર અને સાકારનો નિરાકાર એમ આપણી સગવડ પ્રમાણે બનાવવો સહજ ખેલ થઇ ગયો. પ્રચલિત દેવતાઓથી મનોરથો સિદ્ધ ના થાય એટલે નવા નવા દેવતાઓની કલ્પના લોકમાનસમાં પેદા થાય છે.

દરેક દેવતાઓની ઉત્પતિની કથા પણ એવી જ જોવા મળે કે ભક્તના સંકટનું નિવારણ કર્યું. આજે પણ એવું માનવામાં આવે  છે કે અમુક રીતે આરાધના કરવાથી ઈશ્વર સંકટમાંથી છોડાવીને  સુખ અને વૈભવ આપે છે.આરાધના પછી મૂર્તિપૂજા આવી વૈદિકકાળમાં માત્ર આરાધના હતી. મૂર્તિપૂજા તે કાળમાં પ્રચલિત નહોતી. ઈશ્વરને સગુણ અને સાકાર માનીને ભાવભક્તિને મૂર્તિપૂજાથી આધાર મળ્યો. કામનાઓ,દેવતાઓ અને અવતારવાદને લીધે મૂર્તિઓ અને પૂજાના પ્રકારો સમાજમાં વધવા લાગ્યાં. તેથી લોકમાનસ પણ એવું બન્યું કે ત્યાગ થોડેઘણે અંશે દેખાય પણ વૈરાગ્ય ના દેખાય. ઈશ્વરપ્રેમ અને ઈશ્વર પ્રત્યેની સાચી નિષ્ઠાથી સમાજ સદગુણી બનવો જોઇએ અને સમાજની ઉન્નતિ કે વિકાસ થવાને બદલે સમાજ દુર્બળ અને કામનિક બનવા લાગ્યો.

દરરોજની યોગ્ય જરૂરિયાતો અને સગવડો પૂરી કરવા માટેના પુરુષાર્થનો અભાવ, અને તેના માટેની વિદ્યા, કળા અને જ્ઞાનનો અભાવ, સમાજમાં પરસ્પર સહાય કરીને એકબીજાનું દુઃખ ઓછું કરવા માટેની સહકારવૃત્તિ કે આત્મીયતાની વિશાળ ભાવનાનો અભાવ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં આરાધના સિવાય દુઃખ કે સંકટને દૂર કરવા કોઇ ઉપાય શોધવાને બદલે સમાજ માત્ર આરાધક જ બન્યો. અને કોઇપણ સંકટ કે દુઃખના પ્રસંગે ‘ઈશ્વરેચ્છા’ કે ‘પ્રારબ્ધ’ જેવા શબ્દો ઉચ્ચારીને મનને સાંત્વના આપવાની ટેવ પડવાનું કારણ પણ બન્યું. આપણાં દુઃખો કે મુશ્કેલીઓ માટે યોગ્ય ભૌતિક ઉપાય શોધવાને બદલે “આ જગતમાં કોઇ કોઇનું નથી” જેવા નિરાશાજનક વાક્યોથી એકબીજાને મદદ કરવાની ભાવના વિના જ જીવન ચાલ્યા કરે છે.

આજે પણ જે ઈશ્વરભક્તિના અને ધાર્મિકતાના પ્રકારો જોવા મળે છે તેને જોતાં લાગે છે તેમાં ભક્તિ કે ઈશ્વર વિશે પ્રેમ નહીં પણ પોતાની ઈચ્છાપૂર્તિ માટે આરાધના કરવામાં આવે છે. દેવતાઓની આરાધના કરનાર પરમેશ્વરને શ્રેષ્ઠ માનનારા હોવા છતાં આખી રીત જોઇને લાગે કે પરમાત્માની વિશાળ કલ્પના કરીએ છીએ તે પ્રમાણેનું આચરણ જોવા નથી મળતું તેવું સપષ્ટ પણે દેખાઇ આવે છે. તેથી જ સંકુચિત સ્વરૂપના સ્થળદેવતા, જળદેવતા, કુળદેવતા કે જ્ઞાતિ કે સમુદાયના દેવતા તથા જુદાં જુદાં અધિકાર અને સામર્થ્યના દેવતાઓ વિશેની દૃઢ કલ્પનાઓ કરીએ છીએ. આપણી જ્ઞાતિનો જ વિચાર કરવામાં સમાજનો વિચાર કરતાં નથી તેમ દેવતાઓની કલ્પના કરતાં ઈશ્વરની અધિક વ્યાપક કલ્પના પણ આપણને માફક નથી આવતી. અને આવી સંકુચિત આરાધનાને કારણે સામૂહિકભાવના આવતી નથી.

આ સકામ ભક્તિમાંથી જ દેવતા, મૂર્તિપૂજા અને કર્મકાંડની વૃદ્ધિ થઇ છે પરંતુ નિષ્કામ ભક્તિમાં પણ આપણી અસમર્થતા, પંગુતા અને દુર્બળતાના જ કારણો છે. સંકટો, અડચણો, મરણ પછી થનારી યાતનાઓ, જન્મમરણનો ભય અને અંતે મોક્ષની અભિલાષા આ બધાં કારણો નિષ્કામ ભક્તિના વૈરાગ્યનાં કારણો હતાં એવું લાગે છે ઈશ્વર પ્રત્યેના પ્રેમને લીધે સંસાર નીરસ લાગે અને વૈરાગ્ય આવ્યો એવા માણસો મળવા મુશ્કેલ છે. અને તેથી જ ભક્તિના પહેલાં આવેશમાં જ ત્યાગી અને તપસ્વી જીવન જીવતી વ્યક્તિઓ સમય જતાં ગુરુ અને મહંત બને અને પછી સુખભોગી અને વૈભવપ્રિય બની જતી હોય છે.

પહેલાંનાં અગણિત દેવતાઓ અને દેવસ્થાનો હોવા છતાં અને તેમાં હજુ પણ વધારો ચાલુ જ છે તે પણ ભવ્ય ને રાજમહેલ જેવાં. પ્રામાણિક અને સારી રીતે ગૃહસ્થ જીવન જીવનારને કોઇ પ્રતિષ્ઠિત નથી માનતું પરંતુ જે સંસારની જવાબદારી છોડી પોતાને ભક્ત કહેવડાવે તેને લોકો પૂજ્ય માનવા લાગે છે. જેમને પોતાનો સંસાર બરાબર ચલાવતાં આવડતું નથી કે પોતાની જરૂરિયાત પ્રામાણિક રીતે પૂરી કરવા જેટલું જ્ઞાન, શક્તિ અને પુરુષાર્થ જેમનામાં નથી તેમને સમાજ આરાધ્ય બનાવે છે. અને આવી માનસિકતાને લીધે દેવતાપદ પ્રાપ્ત કરવું સહેલું  બન્યું છે અને માણસ બનવું કઠીન. આવા કહેવાતા ભક્તોની આજુબાજુ અનુયાયીઓ ભેગા થવા લાગે છે લોકોને એક નવા આરાધ્ય મળી જાય છે. અને તેમની કૃપાથી પોતાનો સંસાર સારી રીતે ચાલશે તેવી શ્રદ્ધા રાખે છે. અને થોડા દિવસોમાં તે ભક્ત મહાત્મા બને ગુરુ બને અને પછી ભાવિકોની ભીડ અને ભક્તિને લીધે સમય જતાં ભગવાન બની જાય. અને તેનું મૃત્યુ થાય તો સમાધિ,પાદુકા કે મૂર્તિમાં બેસીને તે મહાત્મા કે ભગવાન જગતનો તો નહીં પણ ઓછામાં ઓછું તેમના ભક્તોનો ઉદ્ધાર કરે છે. અને તે સ્થાનનું મહત્વ જેને ભાવિકોની શ્રદ્ધાથી વધુ લાભ થતો હોય તેવા લોકો વધારે છે.

પરંતુ દુર્બળ માણસ પોતાના આધારો વધારે તેથી તે સબળ થતો નથી. કાલ્પનિક આધારોથી તો ઉલટાનું દુર્બળતા વધે છે. માનવતાને મહત્વ આપવાને બદલે દેવત્વ કે દેવતાપણાને મહત્વ આપવાને કારણે સમાજમાં ધર્મ અને ઈશ્વરને નામે દંભ ચાલ્યો આવે છે અને પુરુષાથની ભાવના રહેતી નથી.

ટૂંકમાં ઉચ્ચ તત્વજ્ઞાન, બહુમૂલ્ય ગ્રંથો, કરોડો દેવતા અને તેટલાં જ દેવસ્થાનો, ઈશ્વર વિશેની સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર વગેરે કલ્પનાઓ સકામ-નિષ્કામ ભક્તિ, આરાધના આ બધાથી માનવતાનો વિકાસ જોઇએ તેવો નથી થયો. મનુષ્યત્વને મહત્વ ન અપાયું એટલે માનવધર્મની કિંમત ઓળખી ના શક્યા અને સમાજના સામૂહિક ધ્યેયને જીવનનો આદર્શ બનાવ્યો નહીં તેથી આજની સ્થિતિ આ છે અને હજુ પણ આ સ્થિતિ ચાલુ રહે તો આપણાં દેવસ્થાનો, મઠ-મંદિરો આપણાં પંથો, સંપ્રદાયો જ આપણી દુર્બળતા અને અજ્ઞાનતાની સાબિતીઓ અને સ્મારકો બનવાં લાગે. આપણી સંસ્કૃતિનું આપણે ગમે તેટલું અભિમાન રાખીએ કે તત્વજ્ઞાનના વિષય પર ગમે તેટલું પાંડિત્ય ડહોળી શકતા હોઇએ તો પણ આજની બધી પરીક્ષા આપણી માનસિક સ્થિતિ અને દરરોજના આચરણ પરથી થાય છે.અને સમાજ આજે કઇ ભૂમિકા પર છે તેના પર સમાજની લાયકાત નક્કી થતી હોય છે. જો આ સ્થિતિ આપણને દુઃખદ લાગતી હોય તો આપણે વિચારવું જોઇએ કે આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય તરીકે જીવવાનું છે એમ સાચે જ લાગતું હોય તો માત્ર વ્યક્તિગત સુખ અને ઈશ્વર વિશેની ભ્રામક કલ્પનાઓ છોડીને વિવેક, પુરુષાર્થ અને સામૂહિક ધ્યેય રાખવું જોઇએ. માનવધર્મથી જ આપણું જીવન સહજ રીતે પરમાત્મા સાથે જોડાય તે જ ભક્તિ એ જ સમર્પણ અને આ જ માનવતાની પૂર્ણતા.

અપેક્ષાઓ અને માનવતાનું આચરણ

સારું બીજ, ઝાડની માવજત, ઋતુ પ્રમાણે સંભાળ આ બધું કરવાથી જ સારાં ફળો મળે છે આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ અને જોઇએ પણ છીએ તો પણ એમાંથી આપણે શીખએ નહીં તો શું કામનું? જીવન વ્યર્થ કહેવાય. બજારમાં જઇને શાકભાજી કે ફળ કે કોઇપણ ચીજ વસ્તુ ખરીદતી વખતે સારી અને સુંદર લાગતી વસ્તુ જ આપણે પ્રથમ પસંદ કરીએ છીએ. કેરીની સિઝનમાં કેરી ખરીદતી વખતે તેની જાત કઇ છે તેની પૂછપરછ કરીએ છીએ. જેમ કે કેસર, પાયરી, આફૂસ કે કોઇ બીજી જાત. ફળની જાત, સુંદર દેખાવ, સ્વાદિષ્ટ મધુર અને લાંબો સમય ટકે અને આરોગ્ય માટે ગુણકારી હોય. માત્ર ફળો જ નહીં ફૂલ, અન્ન, પાણી, હવા, ઘર, ઘરના માણસો, નોકર, પાડોશી, પશુપંખી, જાનવરો  તથા આપણા સંપર્કમાં આવનારી આખી દુનિયા સારી હોવી જોઇએ તેવું ઇચ્છીએ છીએ.

હવે જો ફળ કે ફૂલ વિશે કે બીજી કોઇપણ વસ્તુ માટે આપણે આટલી ચીવટ રાખતાં જોઇએ તો આપણું મહત્વનું માનવજીવન વિશે આપણે આટલા ઉંડાણપૂર્વકનો વિચાર કેમ કરતા નથ? કોઇનાથી આપણને દુઃખ ના થવું જોઇએ. પત્ની ને પતિ સારો જોઇએ, પતિને પત્ની સેવાભાવી અને સદગુણી જોઇએ. આપણે માતૃપિતૃભકત હોઇએ કે ના હોઇએ આપણાં બાળકો આપણને એવાં જોઇએ. બધું જ સારું હોય તો કોઇનોયે ભય ના રહે અને જીવનમાં નિશ્ચિતતા મળે તેવું સમજીએ બીજા પાસે ઇચ્છા કે અપેક્ષા રાખીએ એ પ્રમાણે આપણે વર્તવું જોઇએ તેવું  લાગે છે ખરા? દરેક વ્યક્તિ આપણને સુખ આપે, કોઇ આપણને ફસાવે નહીં, આપણી સાથે અપ્રમાણિકતા, અસત્ય, કપટ કે આપણું અપમાન કરે નહીં અને માન આપે એવું ઇચ્છીએ પણ આપણે આવી સજ્જનતાથી જીવવું જોઇએ એવો ધ્યેય આપણાં જીવનનો હોય છે? આપણે બીજા પાસે અપેક્ષા રાખીએ તેમાં માનવતાની જરૂર નથી પડતી પણ આપણે જે અપેક્ષાઓ રાખીએ છીએ તે પ્રમાણે વર્તવા માટે માનવતાની જરૂર પડે છે. આવી માનવતા આપણામાં ના આવે અને માત્ર બીજા પાસે અપેક્ષા રાખીએ તો સુખી કેવી રીતે થવાય?

જે વાત આપણને ગમે કે પ્રિય હોય તે મેળવવા પ્રયત્ન કરીએ પણ અપ્રિયની અપેક્ષા કરતાં નથી.આખી દુનિયા ધનવાન થાય પછી આપણે ધનવાન થઇશું કે માન પ્રતિષ્ઠા બીજા બધાને મળી જાય પછી જ ફુરસદે આપણે મેળવીશું એવું કોઇ પણ વ્યક્તિ વિચારે નહીં. માનવતાને પ્રિય ના માનીએ તો જ સૌથી છેલ્લે આચરણમાં મૂકવાનો વિચાર કરીએ.