Daily Archives: નવેમ્બર 12, 2010

સંબંધ એટલે શું?

સંબંધ એટલે પોતાની જાત પર વિશ્વાસ.

સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબધ . સુગંધ જેવો અનુભવાય પણ પકડી ન શકાય.

આપણા જીવનમાં જ્યારે એક નવો સંબંધ બંધાય તો લાગે જાણે એક નવી દુનિયા રચાય છે. દરેક નવા સંબંધમાં વ્યક્તિઓ બદલાતી હોય છે પણ અનુભવો અને લાગણીઓ તો એ જ રહે છે.

સંબંધને ગમે તે નામ આપો તે સો ટચનાં સોનાં જેવો જ હોય છે. સંબંધો જ માણસને દુન્વયી બાબતોથી ઉંચકીને આધ્યાત્મિકતાની ઊંચાઇ સુધી લઇ જાય છે માણસની દરેક પ્રવૃત્તિમાં એક યા બીજા સ્વરૂપે સંબંધ જોવા મળે છે અને સંબંધને કારણે જ કાર્ય કે પ્રવ્રુત્તિને ચોક્કસ વેગ મળે છે. ક્યારેક કોઇ સંબંધો વિશે કોઇ શબ્દો જ નથી હોતા કે તેને વિશે વિચારવુ શક્ય નથી હોતું, શાંત ચિત્ત અશાંત બની જાય છે. તેને વિશે વિચારવાને બદલે તેની લાગણીઓને મહેસૂસ કરવી જોઇએ.

સંબંધમાં મોસમનાં પહેલાં વરસાદ પછીની માટીની સુગંધની જેમ બધું કુદરતી હોય છે. જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે.

સરળતાથી સંબંધ શરૂ થાય અને એ જ સરળતાથી સંબંધ આગળ વધે એ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળે અને સરળતાથી સંબંધ પૂરો થાય કે કોઇ કારણસર અલગ થવું પડે આમાં માત્ર સરળતા સિવાય કશાનું મહત્વ જ ના હોવું જોઇએ. સંબંધની બાબતમાં તમે કોઇને ભ્રમમાં લાંબો સમય રાખી ના શકો. તમને કોણ ચાહે છે કે કોણ નથી ચાહતું એની ખબર આપોઆપ પડી જાય છે.

ક્યારેક સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય. એકસમયે સાથે હોય તેવી વ્યક્તિ સામસામે છેડે મૂકાઇ જાય. પરંતુ તેવા સમયે ધીરજ રાખીએ તો સામસામે ગોઠવાઇ ગયેલી વ્યક્તિઓ એક સર્કલ પૂરું કરીને ફરી સંબંધની સફર શરૂ કરી શકે. એટલે સંબંધોમાં ક્યારેક એવું લાગે કે સાવ અલગ થઇ જવાયું છે કે બધું છીનવાઇ ગયું છે ત્યારે જ તે સંબંધ એકબીજાનો સાચો અંશ બને છે. દૂર રહેવાથી સંબંધનું સ્વરૂપ જરૂર બદલાય પણ બંનેને ગાઢ સંબંધની અનુભૂતિ થાય છે.

સંબંધમાં મેળવવા કરતાં પામવાનું મહત્વ વધારે છે. મેળવીને નહીં પામીને જ સંબંધ નિરંતર રહે.માંગ્યા વિના મેળવવું એટલે પામવું. આકાશને મેળવી ના શકાય પણ આકાશમય બનીને તેને પામી શકાય.
 
સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. તમારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તમારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તમે કોને પહેલી જાણ કરો છો? જે વ્યક્તિ સૌથી નજીક હોય તેને કાયમ દિલથી જકડી રાખવી. એ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ. સંબંધોમાં ગૂંચવણો કે કાવાદાવા કે ખરાખરીના ખેલ ના હોવા જોઇએ.
 
સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જાળવવા છે. સંબંધોને તોડવા તો અત્યંત સહેલા છે પરંતુ સંબંધો વિના જીવવૌં અશક્ય છે. જો કે સંબંધોનું મહત્વ સમજાય  તો પછી સહેલા કે અઘરાનો સવાલ જ ઊભો નથી થતો, બધું જ એકદમ સરળ લાગે છે. છતાં જે સરળ હોય છે એને જ સમજવું સૌથી અઘરું પડતું હોય છે!

હકસલએ જણાવેલું કે સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી, પરંતુ જે  કંઇ બને છે તે સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.

(સંબંધ વિશે મેં મારી ડાયરીમાં જુદા જુદા સમયે જુદા જુદા સ્ત્રોતને આધારે કરેલો સંગ્રહ)