Daily Archives: નવેમ્બર 27, 2010

કલંક કે બદનામી??? પણ કોની???

ટ્રીન…!! ટ્રીન…!! ટ્રીન….

સવારના છ વાગ્યાનું એલાર્મ વાગ્યું. સુલેખાને હજુ થોડીવાર સૂઇ રહેવાની ઇચ્છા હતી, ઘરનાં અને નોકરીના કામમાં તે ખૂબ થાકી જતી. છતાં તે નાછૂટકે ઊભી થઇ.

બાથરૂમમાં જઇને બ્રશ કરીને ફ્રેશ થઇને તે ઘરથી થોડે દૂર આવેલી દૂધની દુકાને દૂધ લેવા નીકળી. રસ્તામાં વિચારતી હતી કે મોંઘવારી વધતી જાય છે એમ કેટલાં નાનાં મોટાં ખર્ચ અને બચત માટે વિચારવું પડે છે? દીકરા અને દીકરીના કૉલેજના ખર્ચ અને હવે આ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમી વિગેરે આવતાં તહેવારોના ખર્ચ. પોતાની એકલીની આવકમાં કેમનું પૂરું કરવું.

બે વર્ષ પહેલાં સુલેખાના પતિ સુરેશના એક કાર એક્સિડન્ટમાં  બે પગ નકામાં થઇ ગયેલા. એટલે એની બેંકની સારી નોકરી છૂટી ગયેલી. તે પછી માંડ માંડ સુલેખાને નાની એવી કંપનીમાં નોકરી મળી હતી. જો કે સુરેશ ઘરે બેઠાં થોડું પેકિંગનું કામ કરતો તેથી થોડો ટેકો જરૂર થતો. છતાં આ કારમી મોંઘવારીમાં પુત્ર પુત્રીના ભણતરના ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બનતું.

સુલેખા ટૂંકી આવકમાં પણ એક આશા સાથે દીકરી પ્રિયાને એમબીએમાં ભણાવતી હતી. એમબીએનું આ બીજું વર્ષ પૂરું થાય અને સારી કંપનીમાં જોબ મળી જાય તો તેના નાના ભાઇ પૂજનને આગળ ભણવામાં મદદ થાય. એકવાર દીકરો સારું કમાતો થાય પછી એ પણ આ નોકરી છોડીને પતિનો સહારો બનવા માંગતી હતી.

સુલેખા દૂધ લઇને આવી અને રસોડમાં જઇને ચા બનાવી અને દીકરાને વહાલથી કૉલેજ જવા માટે ઉઠાડ્યો.

પૂજન ઊઠીને તૈયાર થઇ ચા-નાસ્તો કરીને કૉલેજ જવા નીકળતાં તેને યાદ આવ્યું તે કહે “મમ્મી મને ૫૦૦ રૂ. આપ મારે આજે એક્ઝામ ફી ભરવાની છે.”

સુલેખા ફરી મનમાં રોજ કોઇને કોઇ નવા ખર્ચ વિશે વિચારતી પર્સમાંથી ૫૦૦ની નોટ લાવીને દીકરાને આપી. દીકરો કાઇનેટીક લઇને કૉલેજ જવા ઉપડ્યો. સુલેખા રસોઇની તૈયારીમાં લાગી.

કૉલેજમાં પૂજન અને તેના મિત્રો ૯.૦૦ વાગ્યે કલાર્કની ઓફિસ પાસે ફી ભરવા માટે ભેગા થયા. પણ કલાર્કે જણાવ્યું કે ફી ૧૧.૦૦ વાગ્યા પછી લેવાશે. એટલે બધા મિત્રોએ એટલા સમય ફૂટબોલ પ્રેક્ટિસ કરવાનું વિચાર્યું. પણ તેઓ તેમની કૉલેજના ગ્રાઉન્ડમાં ગયા તો બીજા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમતાં હતાં. તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરીશું?

પૂજનના મિત્રોમાંથી એક મિત્રે કહ્યું કે ચાલો બાજુમાં આવેલી હોસ્ટેલના ગ્રાઉન્ડમાં જઇએ. એટલે બીજા મિત્રોએ કહ્યું કે પણ એ હોસ્ટેલ છે એટલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અગાઉ આપણે ગયા હતા એક બે વાર ત્યારે રમવાની ના પાડતા હતા. પરંતુ બધા મિત્રો કહે કે ચાલોને જઇએ  અને ના પાડશે તો આપણે બંધ કરી દઇશું.

બધાં જ મિત્રો હસી મજાક કરતાં બાઇક અને કાઇનેટીક પર ડબલ સવારીમાં ફૂટબોલ પ્રેક્ટિસ માટે ઉપડ્યાં. અને પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. પણ….આ શું?

થોડીવારમાં તો એક પોલીસવાન આવી ને ઉભી રહી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ જે રોજ ના પાડતાં હતાં રમવાની તેને આ લોકો હળવાશથી લેતાં હતાં તેથી આજે આ વિદ્યાર્થીઓએ આજે ૧૦૧ નંબર ડાયલ કરીને પોલીસમાં કમ્પ્લેઇન કરેલી.

પોલીસે આવીને બધાને પોલીસવાનમાં બેસાડી દીધાં અને બધાના મોબાઇલ જપ્ત કરી લીધાં. અને એમના વિહિકલ માટે ટોઈંગવાળાને જાણ કરી દીધી. આમ વિહિકલ પણ જપ્ત કરી લીધાં. અને કોઇને પણ એમના વાલી કે મિત્રોને ફોન કરવાની મનાઇ કરી દીધી. આ વિદ્યાર્થીઓ હજુ માંડ ૧૭ કે ૧૮ વર્ષના જ હતા એટલે તેઓ પણ ગભરાઇ ગયા. અને એમને એક હવાલદારે એવી હૈયાધારણ આપી કે થોડીવાર પછી ધમકાવીને છોડી મૂકશે.

થોડીવાર પછી એક ઈન્સપેક્ટર આવીને હવાલદારને કહે કે આ બધાની સહી લઇ લો. વિદ્યાર્થીઓ તો ડરી ગયા કેમ સહીઓ લેવાનું કહે છે?  એકબાજુ ઘરે માતાપિતાને ખબર પડશે તેની બીક હતી. એટલે અત્યાર સુધી હવાલદારની હૈયાધારણને લીધે અત્યાર સુધી શાંત બેઠેલા છોકરાઓ હવે ડરવા લાગ્યા. હવે તેમને લાગ્યું કે વાલીઓને જણાવવું પડશે. પણ કેવી રીતે? આ લોકોએ તો મોબાઇલ જપ્ત કરી દીધા છે. અને અહીં પોલીસસ્ટેશનેથી પણ ફોન કરવા દેતા નથી. છોકરાઓએ સહી આપવાની ના પાડી અને ઘરે ફોન કરવા ખૂબ વિનંતી કરી એટલે ઈન્સપેક્ટર છોકરાઓને ફોસલાવીને કહે કે તમે એકવાર સહી કરશો પછી તમને જવા દઇશું કંઇ નહી કરીએ.

તો પણ હિંમત કરીને બધા કહેવા લાગ્યાં કે અમે એવો શો ગુનો કર્યો છે તે આપ અમારી સહી લેવાની વાત કરો છો. 

થોડીવાર પછી એક હવાલદાર એક માણસને મારતો મારતો અંદર લઇને આવ્યો. અને ખૂબ મારવા લાગ્યો. આ જોઇને છોકરાઓ ગભરાવા લાગ્યા. ઈન્સપેક્ટર છોકરાઓને સહી કરવા સમજાવતો હતો. છોકરાઓ જેમ ના પાડે તેમ પેલો હવાલદાર પેલા પકડીને લાવેલા માણસને વધારે મારે. આ જોઇને થોડા સમય પછી વિદ્યાર્થીઓની પણ હિંમત તૂટવા લાગી. પૂજન બધાને સમજાવે કે એકવાર આપણે સહી કરીશું તો ફસાઇ જઇશું પણ ધીમે ધીમે પેલા માણસને પડતો માર જોઇને બધા ગભરાવા લાગ્યા અને સહી કરવા તૈયાર થઇ ગયા અને છેવટે પૂજને પણ નાછૂટકે સહી કરવી પડી.

હવે જેવી વિદ્યાર્થીઓએ સહી કરી એટલે ઈન્સપેક્ટરે બધાને ગોળ કૂંડાળું કરીને બેસી જવા જણાવ્યું અને દરેકના હાથમાં રમવાના પત્તાં થમાવી દીધાં અને વચ્ચે તેમના એકઝામ ફીના પૈસા મૂકાવી દીધાં. અને પહેલેથી જ બોલાવી રાખેલ ફોટોગ્રાફર પાસે ફોટા પડાવી લીધા. ફોટા પાડી લીધા પછી બધાને તેમના મોબાઇલ પરત કરીને માતાપિતાને ફોન કરવાની છૂટ આપી.

આ રીતે ભવિષ્યની ઉગતી પેઢીને કે જેઓ  માતાપિતાના અને પોતાના સ્વપ્નો સાકાર કરવા તરફ પગ માંડતા આ નિર્દોષ યુવાનોને પકડીને નજીક આવનારી જન્માષ્ટમીના દિવસોમાં રમાતા જુગારનાં સાબિતીના આંકડા તૈયાર કર્યા. સાચા રમનારા જુગરીઓ પાસેથી તો હપ્તા વસૂલ કરી લીધાં હોય એટલે સરકારી ચોપડે કંઇક તો નોંધવું પડે ને!?

આ બાજુ તો જેવી યુવાનોના માતાપિતાને જાણ થઇ ત્યારે તેઓ એક આઘાત સાથે પોલીસસ્ટેશને દોડી આવ્યા. દરેક માબાપ વિચારવાં લાગ્યાં કે મારા દીકરાની સંગત ખરાબ છે. દરેકના માતાપિતા બીજાના બાળક અને એના માતાપિતાના સંસ્કાર પર મનમાં શક કરવા લાગ્યા. હકીકતમાં દરેક વિદ્યાર્થી ઉચ્ચ મધ્યમવર્ગના સંસ્કારી માતાપિતાના સંતાન હતા.

અને હજુ તો પેલા ભૂખ્યા વરુઓ રક્ષક નામે ભક્ષક બનેલાનો  તો એક મોટો તોડ કરવાનો બાકી હતો. ફોટા અને સહીઓ  લીધી હતી શું કામ? સરકારી ચોપડે તો આંકડા નોંધાયા. એમના ખિસ્સા  પણ ભરાવા જોઇએ ને? દરેક મા બાપે પોતાના બાળકની બદનામી ના થાય તે માટે ૧૫૦૦૦ ચૂકવ્યા. આશરે ૧૫ વિદ્યાર્થીઓના હિસાબે ૨,૨૫,૦૦૦ ની તહેવારની ઉજવણી કરી લીધી આ કાયદો અને વ્યવસ્થાના સત્તા સ્થાને બેઠેલા બદમાશોએ.

સુલેખા તો આ દીકરો પોલીસ સ્ટેશનમાં છે તે સમાચાર મળતાં જ ફસડાઇ પડેલી. દીકરી પ્રિયા અને પતિ સુરેશે એને આવેલી પરિસ્થિતિનો સામનો કરવા હિંમત આપી. માંડમાંડ ખર્ચાને પહોંચી વળતી સુલેખાને માટે ૧૫,૦૦૦  રૂપિયાનો મેળ પાડવો કેટલું કઠિન હતું?  પરંતુ દીકરાની બદનામી થાય તે કઇ માતાને ગમે? તેણે પણ જેમ તેમ કરીને રૂપિયા આપવા પડ્યા.

છતાં  આ ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવીને પણ આ કલંક તો લાગ્યું જ ને. સમાજમાં દરેકને તો સાચી હકીકતની જાણ ના હોય તે તો એમ જ માનશે ને કે આ લોકોને જુગાર રમતાં પોલીસે પકડેલા.

શું  કલંક કે બદનામી યુવાનોની નાસમજીને કારણે હતી કે હોસ્ટેલના લોકોની મનાઇ છતાં તેને હળવાશમાં લઇને ફૂટબોલ પ્રેક્ટિસ ચાલુ રાખી?

શું  કલંક કે બદનામી આપણા તહેવારોના સમયે તહેવારના સાચા અર્થને સમજ્યા વિના જુગાર જેવા દૂષણને તહેવારનો એક હિસ્સો બનાવીએ છીએ તે છે?

શું  કલંક કે બદનામી આપણા કાયદો અને વ્યવસ્થા સંભાળનારા,  નિર્દોષ જનતા અને યુવાનોના ભવિષ્યને રગદોળીને સત્તાનો દુરપયોગ કરે છે તે છે?