Monthly Archives: ડિસેમ્બર 2010

દારૂબંધી જ ગુજરાતની શાંતિ, સ્ત્રીઓની સલામતી માટે જવાબદાર

મારા આગળના લેખ ‘હિટ અને રન’ માં મેં કરેલ ઉલ્લેખ કે થોડેઘણે અંશે એન.આર.આઇ જવાબદાર ખરા કે નહીં? તેમાં ગુજરાતમાં દારૂબંધી છે પણ વધુ પીવાય છે તેવા પ્રતિભાવો મળેલ.   ભલે ગુજરાતમાં બીજા રાજ્ય કરતાં અઢળક વધારે દારૂ પીવાતો હોય, છતાં ગુજરાતમાં દારૂબંધી છે તે ખૂબ ફાયદાકરક છે. અને તેના કારણે જ ગુજરાત ભારતના બીજા રાજ્યો કરતાં શાંત, સમૃદ્ધ અને સ્ત્રીઓની સલામતી માટે નંબર વન ગણાય છે. અને એટલે જ બીજા રાજ્યમાંથી આવતા લોકો અહીંની શાંતિ અને સ્ત્રીઓની સલામતી જોઇને અંજાઇ જાય છે તેમને ખૂબ જ નવાઇ લાગતી હોય છે. અને બે ત્રણ વર્ષ માટે આવેલા લોકો પાછા જવાનું નામ નથી લેતાં.

ગુજરાતમાં સ્ત્રીઓની સલામતી અને શાંતિના સંદર્ભમાં એક સાચો કિસ્સો જણાવું. ૨૦૦૮માં અમે હિમાચલ ટૂર માટે ગયેલા. અમારી સાથે બીજું એક ફેમિલી પણ હતું. અમે અહીંથી દિલ્હી ટ્રેનમાં ગયેલા અને દિલ્હીથી ટેક્સી કરેલ. ૨૦ દિવસના પ્રવાસ પછી પાછા ફરતાં રાજસ્થાનમાં ગૂર્જર આંદોલનને કારણે દિલ્હીથી બધી ટ્રેનો રદ કરી દીધેલ. અમે આગ્રામાં હતા અને અમને જાણ થઇ કે ટ્રેનો રદ થયેલ છે. એટલે અમારા ટેક્સી ડ્રાઇવરે અમને કીધું કે હું તમને અમદાવાદ સુધી મૂકી જઇશ ચિંતા ના કરો. અમે પહેલાં પણ બે વાર એની ટેક્સી કરેલ. એટલે સારી ઓળખાણ થઇ ગયેલી. અને તે મારા દીકરા કરતાં થોડો જ મોટો હશે.

અમારું  રાજધાની એક્સપ્રેસનું બુકિંગ હતું. તે અમને પહેલાં એના ઘરે દિલ્હી લઇ ગયો ત્યાં ચા- નાસ્તો કરાવીને તેની મમ્મીને કહ્યું કે હું રેલ્વે સ્ટેશન જઇને તપાસ કરીને જો ટ્રેન રદ થઈ હશે તો હું અંકલ-આન્ટીને અમદાવાદ સુધી મૂકવા જઇશ. અને તે અમને વચ્ચે આવતાં રાજ્સ્થાનમાં તોફાનો હોવા છતાં જોખમ ખેડીને મૂકવા આવ્યો. અને અમારી પાસે પણ કોઇ ઉપાય નહોતો કારણ કે ટ્ર્નો ક્યારે શરૂ થાય તે નક્કી હતું નહીં.

જો કે ગુજરાત વિશે તેના જે ખ્યાલો હતા કે ત્યાં દારૂબંધીને કારણે પછાત સ્ટેટ છે તે માન્યતા જેવી એની ટેક્સી ગુજરાતમાં પ્રવેશી તેમ ધીમે ધીમે દૂર થઇ ગઇ. અને સૌથી વધુ આંચકો તેને એ લાગ્યો કે અમદાવાદમાં રાત્રે ૧૧-૧૨ વાગ્યે પણ યુવતીઓ વ્હિકલ પર કે ચાલતી વિના ડરે ફરે છે તેનો લાગ્યો. તેને ખૂબ ખૂબ નવાઇ લાગી. અને તેના મોંમાંથી શબ્દો નીકળ્યા તે આ હતા ‘અંકલ યે સબ દારૂબંધી કે કારન હૈ.’ હમારે દિલ્હીમેં ૭ બજે કે બાદ બહાર કોઇ લેડી દિખાઇ નહી દેતી. ફેમિલી કે સાથ ભી રિસ્ક હોતા હૈ. દિલ્હી ઇતના સેફ નહીં હૈ.’ ઔર મેંને કહીં ભી ભારતમેં ઐસા કભી નહીં દેખા.

આ અમારા ટેક્સી ડ્રાઇવરને રોજ ડ્રિંક્સ લેવાની ટેવ પડી ગયેલી પહેલી બે વાર ગયેલા ત્યારે નહોતી.. જો કે રાત્રે જ લેતો પણ અમારા સાથે જે ફેમિલી હતું તે ભાઇને પણ ખૂબ ટેવ હતી. એટલે એ એને ડ્રિંક્સમાં કંપની આપતા. મારા દીકરાને અને પતિને પણ રોજ કહે પણ તેઓ લે નહીં. અને પેલા ભાઇ ક્યારેક દિવસે પણ લે અને ડ્રાઇવરેને પણ આપે. ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો અને તે બાબતે હું કહું કે દિવસે કેમ લે છે? તારે તો ડ્રાઇવ કરવાનું હોય અમારી જિંદગીનો સવાલ છે. અને એકવાર મેં એને કહેલું કે હવે તું દિવસે લઇશ તો અમે બીજી ટેક્સી કરીશું અડધેથી તારી ટેક્સી છોડી દઇશું. એટલે એને અમારા પર ખાસ મારા પર ચીડ રહેતી. અને ગુજરાતની દારૂબંધીને  લીધે તે અમને અને ગુજરાતને પછાત માનતો.

હા વાત એકદમ સાચી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં સ્ત્રીઓની સલામતી છે. અને શાંતિ પણ ઘણી છે. આવી જ રીતે નવરાત્રીમાં પણ સ્ત્રીઓને યુવતીઓને જે રીતે ગરબા ગાતાં જોઇને લોકો અહીંની સલામતી માટે દારૂબંધી જ કારણરૂપ લાગે છે. ગુજરાતમાં બીજા રાજ્યમાંથી આવેલ મોટાભાગના લોકોને આપણી નવરાત્રીમાં અને બીજા ઉત્સવોમાં સ્ત્રીઓને આનંદ લેતી જોઇને ગમે છે કે આ સલામતી ક્યાંય નથી. અને કહેતા પણ હોય છે કે અમારા રાજ્યમાં તો આ શક્ય જ નથી. અને એટલે જ ક્યારેક બીજાં રાજ્યોના અમુક લોકો થોડાંક જ  નવરાત્રિના કિસ્સાઓને લઈને આપણા નવરાત્રિના ઉત્સવની મજાક કરે છે. મૂળ તો નથી જોઇ શકાતી કે પચાવી શકાતી ગુજરાતની સલામતી.

થોડા સમય માટે અમારે બેંગ્લોરમાં રહેવાનું થયેલું ત્યાં રસ્તા પર ૯.૦૦ વાગ્યા પછી કોઇ ફેમિલી સાથે પણ ના જોવા મળે. માત્ર કાર જતી જોવા મળે કોઇ ચાલતું ફેમિલી સાથે ના જોવા મળે. બેંગ્લોરમાં એક માત્ર ગુજરાતી-મારવાડી એરિયા ગાંધીનગર છે ત્યાં રાત્રે ૧૧ વાગ્યે ફેમિલી સાથે લોકો જોવા મળે બાકી બીજા રસ્તા સૂમસામ જ હોય. હા બેગ્લોર એક એજ્યુકેટેડ અને શિસ્તવાળું શહેર જરૂર છે. જ્યારે અમદાવાદ કે ગુજરાતમાં ચાર પાંચ સ્ત્રીઓ એકલી ૧૧ વાગ્યે પણ રસ્તા પર જોવા મળે. અહીં તો ઘણા લોકો અમારા જેવા તો આખા દિવસના ધમધમતા રાત્રે ૧૧ વાગ્યે થોડા શાંત થયેલા રસ્તાઓ પર ચાલવા નીકળે. થોડેઘણે અંશે મુંબઇમાં વધુ ધમધમાટવાળા જાહેર રસ્તાઓ પર ફેમિલી સાથે લોકો જોવા મળે કે યુવતીઓ કે સ્ત્રીઓ પણ જોવા મળે. બાકી ભારતના કોઇ રાજ્યમાં શાંતિ કે સ્ત્રીઓની સલામતી નથી.

અને એટલે જ ગુજરાતમાં જે આવા દારૂ પીને યુવાનો હિટ એન્ડ રન કે ધમાલ કરે તેને બીજા રાજ્યોમાંથી આવેલા  લોકોને જવાબદાર ગણવામાં આવે છે. અત્યાર સુધી મને પણ એમ જ લાગતું હતું પરંતુ જ્યારે મે આવી રીતે એન.આર.આઇ. લોકોને ખાસ અહીંના પ્રસંગો માટે દારૂ લાવતા જોયા એટલે મને લાગ્યું કે થોડેઘણે અંશે(સંપૂર્ણ જવાબદાર નહીં, કારણ કે આગલા લેખમાં આ મુદ્દે ગાડી આડે પાટે ચડી ગયેલી) આ લોકો પણ જવાબદાર ખરા જ. કોઇને એવો પ્રશ્ન થાય કે આ લોકો કેટલું લાવે? ગુજરાતમાં તો બીજાં રાજ્યો કરતાં વધુ પીવાય છે.

હું જે પ્લેનમાં આવી તેમાં માત્ર મુંબઇથી અમદાવાદ આવતા પેસેન્જરને ગણો બીજા જે મુંબઇ ઉતરી ગયા તે ના ગણો તો પણ આશરે ૧૦૦ માંથી ૩૦ ટકા લોકો પાસે લિકર હતું એમ માનીએ(જો કે મેં તો ૫૦ ટકાથી વધારે લોકોના હાથમાં જોયેલ) તો ૩૦ x ૪ =૧૨૦. આ તો એક જ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ થઇ આવી તો જેટ એરવેઝ, આરબ અમિરાત જેવી દરેક ઇન્ટરનેશનલ ફ્લાઇટની લંડનથી આવતી દરરોજની એક ફ્લાઇટ ગણો. અને એવી રીતે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવાં બીજા દેશોમાંથી પણ દરરોજની એક ફ્લાઇટ હોય અને માત્ર આ લગ્ન સમયે જે લિકર આવે છે તેનો જ હિસાબ કરીએ તો સંખ્યા કેટલી થાય? એન.આર. આઇ.ની સંખ્યા કેટલી અને તેમની સાથે માત્ર ૩૦ ટકાની ગણતરીમાં  લાવેલ લિકરની સંખ્યા કેટલી ?  માત્ર ૧૫ દિવસ જ ગણીએ તો પણ મારા હિસાબે આંકડો નાનો સૂનો તો ના જ થાય. અધધધ કહેવાય એટલો તો થાય જ. અને એની અસર પણ થોડેઘણે અંશે તો થાય જ.

હિટ એન્ડ રન, દારૂબંધી અને એનઆરઆઈ….

જ્યારે અમે લંડનથી પરત આવતા હતાં ત્યારે સિક્યુરિટી ક્લિયરન્સ વખતે અહીંની સિક્યુરિટીના પ્રમાણમાં ત્યાં વધુ કડક પ્રમાણે સિક્યુરિટી ક્લિયરન્સ વિધિ જોવા મળી. નાની બાબતોમાં ધ્યાન રાખવામાં આવે છે ત્યાં પરંતુ ત્યાં બધું જ સિસ્ટમથી ચાલતું હોવાથી કંટાળાજનક નથી લાગતું. જ્યારે અહીં તો આખાને આખા હાથી પસાર થઇ જાય પણ કીડીની પૂછતાછ લાંબી ચાલે તેવો માહોલ અને લાંબી કંટાળાજનક વિધિ હોય છે. અહીંથી જતાં અને આવતાં બંને સમયે સિસ્ટમ તો સારી અને આધુનિક હોવા છતાં પણ અધિકારીઓના સંચાલનમાં અણઆવડતના કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે.

લંડનના હિથ્રો એરપોર્ટ પર અમે સિક્યુરિટિ ક્લિયરન્સ પતાવીને આગળ જતાં હતાં ત્યારે એક બહેન જેમની ઉંમર આશરે ૬૦ આસપાસની હશે તેમણે મને પૂછ્યું કે, ‘હવે આ લોકો લિકર નથી લઇ જવા દેતા?’

મારે માટે તો આ વિષય સાવ જાણકારી બહારનો હતો. એ બહેનને કદાચ એવું લાગેલું કે હું ઘણા વર્ષોથી લંડનમાં રહેતી હોઇશ. એટલે જ મને આવો સવાલ પૂછ્યો હશે.  મારે શું કહેવું તે ખબર નહોતી એટલે હું તો એમની વાતો સાંભળતી હતી. કહે કે પહેલાં તો લઇ જવા દેતા હતા પરંતુ આજે  મારી બેગમાંથી આ લોકોએ લિકર કઢાવી લીધું. સિક્યુરિટીમાં એવું જણાવ્યું કે અહીંથી લઇ જશો તો પણ મુંબઇથી કઢાવી દેશે.  ફલાઇટ ઈન્ડિયન એરલાઇન્સની લંડનથી અમદાવાદની હતી. એટલે મારી જાણકારી જેટલી હતી તે પ્રમાણે મે એમને કહ્યું કે ‘ મુંબઇ સુધી લઇ જવા દે પરંતુ અમદાવાદ ના લઇ જવા દે તેનું કારણ ગુજરાતમાં દારૂબંધી છે તે હોઇ શકે.’

મને એમ કે ફલાઇટ ભારતની છે એટલે ભારતના કોઇપણ રાજ્યના હોઇ શકે આ બહેન. અને એમને ગુજરાતની દારૂબંધી વિશે ખબર નહીં હોય એટલે પાછું મે એમને પૂછ્યું કે ‘તમે ગુજરાતી છો?’  જો કે મારે આવું ના પૂછવું જોઇએ ને? આપણે બધા પહેલાં ભારતીય છીએ. એટલે જ એ બહેને મને જવાબ આપ્યો કે ‘ના હિન્દુ છુ.’ અને આગળ બીજી માહિતી એમણે આપી કે મારા ભત્રીજાના લગ્ન છે નડિયાદમાં એટલે ખાસ એ લોકોએ મંગાવેલ છે એટલે લઈ જઉં છું.

જેવું આ બહેને મને કહ્યું કે તેઓ લગ્નમાં વરરાજા અને મિત્રો કે ઘરના સભ્યો માટે ત્યાંથી ખાસ લિકર લાવતા હતા. એટલે મેં ફરી ખાસ કારણથી એમના સામે જોયું અને મનમાં વિચારવા લાગી કે આ ૬૦ ની ઉંમરે પહોંચેલા બહેન શા માટે આવું કામ કરતા હશે? શા માટે પ્રસંગોમાં આવી વાતને સહમતી આપે છે અને એમાં સહકાર પણ આપે છે? મને આ વાત ના ગમી એટલે મેં તો તરત જ એમનો પીછો છોડાવીને આગળ વધવાનું જ મુનાસિબ માન્યું.

પરંતુ મન પર પેલા બહેનની વાત સવાર થઇ ગયેલી કે લગ્નપ્રસંગે તેઓ લિકર લઇ જતાં હતાં. તેથી મગજની નસો ખેંચાયેલી હશે કદાચ એટલે મારા પતિએ પૂછ્યું કે ‘કોઇ ગહન વિષય છે?’

એટલે પછી મેં એમને પેલા બહેન સાથે થયેલી વાત જણાવી.  એ મને કહે કે કોણ છે એ “બેવડી”? (મુંબઇમાં રોજ દારૂ પીનાર પુરુષને “બેવડો” કહે અને આ સ્ત્રી એટલે “બેવડી”). મેં કહ્યું કે એ પોતાને માટે નથી લઈ જતા. એમના સગાને ત્યાં લગ્નપ્રસંગે લઈ જાય છે. જો કે પછી તો મોટાભાગના પેસેન્જરના(સ્ત્રી અને પુરુષ) હાથમાં ચારેક બોટલના પેક જોવા મળ્યા. નિયમ શું છે તે અમને તો ખબર નથી. પણ સિક્યુરિટી ક્લિયરન્સમાં બેગમાં રહેલી લિકર બોટલો કઢાવી નાખતા હતા. અને આ બાબતે મેં ઘણી સ્ત્રીઓને(સ્ત્રી પુરુષોના ચેકિંગ અલગ થાય એટલે મને સ્ત્રીઓની જ ખબર છે) મુંબઇ એરપોર્ટ પર વિવાદ કરતી અને ઝઘડતી જોઇ ‘બસ પહેલાં તો લઇ જવા દેતા હતા અને હવે કેમ નહીં?

મને તો ફરી વધુ નવાઇ લાગી કે સ્ત્રીઓ શા માટે આ વાતને આટલું મહત્વ આપે છે? અરે! એમણે તો લઇ જ ના આવવું જોઇએ. તેના બદલે આવો વિરોધ? માનો કે કદાચ ત્યાં વર્ષોથી રહેતી સ્ત્રીઓ ત્યાં ની ઠંડીને કારણે લિકર લેતી હોય તો પણ એની અહીં જરૂર ના હોય. એ જ વસ્તુ પુરુષો માટે પણ લાગુ પડે અહીં ઠંડી હોતી નથી ત્યાંના જેવી ઝિરોથી નીચે જાય તેવી.( જો કે ઠંડીમાં દારૂ પીવો જોઇએ તે માન્યતા જ ભૂલભરેલી છે ઘણા લોકો પશ્ચિમના દેશોમાં પણ દારૂ પીતા નથી) અને અહીં રહેતા તેમના સગાને માટે તો લાવવાની જરૂર શું છે? અહીં  તો લોકો ટેવાયેલા હોતા નથી અને ક્યારેક પીએ એટલે અસર વધારે થાય છે.  અને જે પેસેન્જર હતા તેમાં ઘણા એવાં હતાં જેમના કપાળમાં તેમનાં અલગ સંપ્રદાયનાં તિલક પણ હતાં. તો આવે સમયે બીજું એ કે આપણા ધર્મની મહાનતા અને પશ્ચિમના કલ્ચરની સરખામણી કરનારા ક્યાં જાય છે?

અમદાવાદ ઊતર્યા પછી પણ સિક્યુરિટીમાં પેસેન્જરના હાથમાં રહેલી લિકર વિશે કોઇ ખાસ પૂછતાછ નહોતી થતી કદાચ એની નોંધ થતી હશે. અમદાવાદ આવ્યા પછી લગભગ દરરોજ છાપાઓમાં સમાચાર વાંચવા મળતા ‘હિટ એન્ડ રન’.  અને એકવાર તો વસ્ત્રાપુર પાસે એક પાનના ગલ્લે થોડાં યુવાનોએ ( આ લોકો કોઇ વરરાજાના મિત્રો હતાં) નશામાં ત્યાં ઉભેલી સાત આઠ કારના કાચ સ્ટિકથી તોડ્યાં અને તેમને રોકવાના પ્રયાસ કરનારને સ્ટિક વડે મારવા લાગેલાં તેવા સમાચાર વાંચ્યા. આ બધું વાંચીને લાગ્યું કે પેલાં બહેન અને તેમના જેવાં બીજાં લોકો જેઓ તેમનાં સગાં માટે ત્યાંની બ્રાન્ડની લિકર અહીંના લોકો માટે લાવે છે આ કદાચ તેની અસર પણ હોઇ શકે. જો કે દારૂબંધી તો નામની જ છે ગુજરાતમાં. પરંતુ નવેમ્બર-ડિસેમ્બર આસપાસ આવા હિટ એન્ડ રન અને નશામાં તોડફોડ અને બાઇક સવારોના રોડ પર રેસિંગના કિસ્સા અને પછી એક્સિડન્ટના કિસ્સા  સમાચારમાં વધુ આવતાં હોય છે. આવા કિસ્સામાં યુવાનોની સાથે આવી વાતને પ્રોત્સાહન આપનારા વડીલો પણ જવાબદાર છે. લગ્ન સમયે દેખાદેખી અને યુવાનોની આવી પાર્ટીને પ્રોત્સાહન આપવાની જરૂર છે? અને જ્યારે આવા સમાચારો આવે ત્યારે આપણે કહેતાં હોઇએ છીએ કે ગુજરાતમાં બહારની આવેલી પ્રજાને કારણે આવું થાય છે. થોડેઘણે અંશે તે સાચું હોઇ શકે પણ થોડેઘણે અંશે ગુજરાતમાં દારૂબંધી  હોવા છતાં આપણા આવા એનઆરઆઇ લોકો જે લિકર લાવવામાં શાન સમજતા હોય તેઓ પણ જવાબદાર ખરા કે નહીં?

દીકરા મને લાડકવાયા…..

દીકરા મને લાડકવાયા દેવના દીધેલ છે…વાયરા જરા ધીરે વાજો પ્રેમથી પોઢેલ છે. આ ગીત મને બહુ જ ગમે છે પણ આજે આ યાદ કરવાનું કારણ એ કે મારા દીકરા જે અમેરિકામાં ભણે છે તે અત્યારે તેમના વેકેશન માટે ભારત આવ્યા છે. અને એમની ભારતમાં જ વેકેશન માણવાની ઇચ્છાને માન આપીને અમે પણ લંડનથી અમદાવાદ પરત આવ્યા છીએ. અને અમારા દીકરા એમના પ્રોજેક્ટના લીધે ખૂબ થાક્યા છે અને ભારત અને અમેરિકાના રાતદિવસના ફરકને કારણે પણ આરામ ફરમાવે છે એટલે અમે સૂસવાટા મારતા પવનને કહીએ છીએ કે વાયરા જરા ધીરે વાજો પ્રેમથી પોઢેલ છે.

ક્યારે એમનો થાક ઉતરે તેની રાહ  જોઇ રહ્યું છે મારું છલકાઇ રહેલું માતૃત્વ. નવ મહિનાથી એના વિના સૂના પડેલા અમને અને એમનાં મિત્રોને પણ ખૂબ આતુરતા છે.