ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો?

*શૂન્યની શોધ દુનિયાને પ્રથમ આપનાર ભારત છે.

*જો શૂન્યની શોધ ના થઇ જ હોત તો વિજ્ઞાન જ ના હોત અને વિજ્ઞાન ના હોય તો ટેકનોલોજી તો હોય જ નહિ એટલું તો સમજી જ શકાય ને?

*મેથેમેટિક્સ વિકસ્યું ના હોત તો અવકાશ જ્ઞાન હોત નહી. અવકાશ વિજ્ઞાનને કારણે આપણે એટલેકે ભારતે પૃથ્વી ગોળ છે તે પ્રથમ સાબિત કર્યું અને સૂર્યની આસપાસ 7 ગ્રહો છે તે ભારતની શોધ છે તે આજની ટેકનોલોજી વિના ભારતમાં શોધાયું છે.
લોખંડના શુદ્ધિકરણની શોધ અને તેમાંથી સ્ટીલ બનાવવું તે ભારતમાં પ્રથમ થયું છે તેનું સચોટ ઉદાહરણ અશોક સ્તંભ.

*ડાયમંડની શોધ અને તેના પ્યુરીફાયની શરૂઆત સૌ પ્રથમ ભારતમાં થઇ છે.

*કમ્પ્યુટર યુગની શરૂઆત 1940-50 માં થઇ તે વખતે તેના માટે જે લેન્ગવેજ-ભાષા વિકસી તેમાં ભારતીય ભાષા સંસ્કૃતનો મોટો ફાળો છે સંસ્કૃતનું ગ્રામર ટોપ મોસ્ટ લેન્ગવેજમાં આવે છે તેના જેટલું વિકસિત ગ્રામર કોઈ ભાષામાં નથી સંસ્કૃત ગ્રામરના આધારે કોમ્પ્યુટરની ભાષા કમ્પાઈલના મૂળમાં સંસ્કૃત ગ્રામરનો હિસ્સો છે.

*રેડિયો ટેકનોલોજી જગદીશચંદ્ર બોઝે વિકસાવેલી અને તેમાં મહત્વનું યોગદાન તેમનું છે, બ્રિટીશ શાશન હતું એટલે તેમની વિકસાવેલી રેડિયો ટેકનોલોજી માર્કોનીના નામે ચડાવી દેવામાં આવી.

*અને આ રેડિયો ટેકનોલોજીના આધારે જ આજની ટી.વી. અને મોબાઈલની ટેકનોલોજી વિકસી છે એટલે જગદીશચંદ્ર બોઝે રેડિયો ટેકનોલોજી વિકસાવી એટલે આજે આપણે ટી.વી. અને મોબાઈલ ટેકનોલોજી વાપરી શકીએ છીએ.
આવી ઘણી બધી વિજ્ઞાન અને સંશોધનમાં ભારત આગળ હતું અને દરેક સમયે અગ્રેસર જ રહ્યું છે. અને આજે પણ ભારતના બુદ્ધિધનનો ઉપયોગ નવી ટેકનોલોજીમાં થઇ રહ્યો છે. આજે ભારતીય બુદ્ધિધન ગણિત અને સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વમાં ઘણું મોખરાનું સ્થાન ધરાવે છે.

આ ઉપર પ્રમાણેની થોડીઘણી માહિતી મેં આપી તે આપણે સૌ જાણીએ જ છીએ. આવું બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે આજકાલ પોતાને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા, પરિવર્તનશીલ અને તટસ્થ ગણાવતા લોકો ભારતના લોકો કોઇપણ વિષયમાં અસહમતી દર્શાવતી ચર્ચા કરે ત્યારે એમ કહેતા હોય છે કે પશ્ચિમની ટેકનોલોજી અને પશ્ચિમે શોધેલા ગૂગલ પરથી માહિતી મેળવીને ચર્ચા કરવાનો ભારતના લોકોને કોઈ હક્ક નથી અને આ વાતને એવા બીજા અધૂરા ઘડા જેવા બિનભારતીય લોકોએ પકડીને ભારતના લોકોની મજાક અને ઉતારી પાડવામાં કરવા લાગ્યા.

પણ ઘણા લોકો જેમને ભારતની કોઈ પણ સિદ્ધિ જોવામાં રસ નથી અને સતત ભારતના લોકોને નીચા પાડવામાં રસ છે તેઓને લાગે છે કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી શોધાતી નથી માત્ર પશ્ચિમના દેશો જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ છે.

આવા લોકોને ખાસ કોઈ જ્ઞાન હોતું નથી કે અત્યારે જે સમય છે તે  વૈશ્વીક યુગ છે. જે પણ ક્ષેત્રે થતી શોધ વિશ્વના દરેક દેશ માટે હોય છે કોઈ એક દેશ માટે કે માત્ર પોતાના દેશ પૂરતું સીમિત સંશોધન થતું ના હોય. અને ભારતે તો સૌથી પ્રથમ આ  વૈશ્વીક યુગની શરૂઆત કરી છે. આંકડાઓની સરળ ગણતરીની રીત વિશ્વને સૌપ્રથમ આપી છે. દરેક વિષયના પાયાનું વિજ્ઞાન વિશ્વને સૌપ્રથમ આપનાર ભારત છે. એટલે કે વૈશ્વીક યુગની શરૂઆત પણ આપણે જ કરી છે એવું કહી શકીએ. આજે પશ્ચિના દેશો જે પણ વિજ્ઞાન કે ટેકનોલોજી શોધે છે તેના પાયામાં ભારતનું જ્ઞાન રહેલું છે અને ગમે તેવા કપરા સમયમાં ભારતમાં બુદ્ધિધનની કમી રહી નથી. આપણે પાયાનું કામ કર્યું અને હવે થતી નવી શોધોમાં આપણું બુદ્ધિધન વપરાય જ છે.

હવે વિચાર કરી જુઓ ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને  વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો? આજના પશ્ચિમના દેશો હજુ પણ અંધકાર યુગમાં જ જીવતા હોત ને? અને વાતવાતમાં ભારતને વિષે ઘસાતું બોલતા લોકો લીલો ઘાસચારો ચરવા પશ્ચિમના દેશોમાં ગયેલા થોડા જ અધુરા ઘડાઓનું શું થાત?

ભારતના લોકોને નવી ટેકનોલોજીના ઉપયોગ ના કરવા વિષે કહેતા બિનભારતીય લોકોએ પશ્ચિમના લોકોને ભારતનું વિજ્ઞાન ઉપયોગ ના કરવા વિષે કહી શકશે? શરૂઆતમાં શોધો કરી છે તેના પાયા પર જ આજની ટેકનોલોજી છે. ભારતના લોકોને રોકનારા લોકોએ પહેલા પોતે જ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ ના કરવો જોઈએ ને?

આવું સત્ય લખીએ એટલે તમે તો ભૂતકાળમાં અને મેરા ભારત મહાનના અહોભાવમાં રાચો છો એવી દલીલ કરે અરે આજનું ભારતીય બુદ્ધિધન ભૂતકાળની મહાનતા ના ગણાય.

Advertisements

તમારો મનપસંદ રંગ તમારા વિષે શું જણાવે છે

image

રંગોના અર્થને સમજીને કલર સાયકોલોજીની જાદુઈ દુનિયામાં પ્રેરણાદાયક સફર અને પોતાની જાતને ઓળખવાની રીત છે. કેવી રીતે રંગોની અસર જાગ્રત મન અને અજાગ્રત મન પર થાય છે અને તેનાં જ્ઞાનથી તમારી લાઈફ બદલી શક્ય છે. કલર સાયકોલોજીથી પ્રેરાઈને તમે તમારા વિષે વધુ જાણી શકો છો અને ગ્રહણ કરી શકો છો કે તમે ખરખર શું છો?

25 વર્ષના અભ્યાસ દ્વારા judy scoot-kemmis. નામના લેખક જણાવે છે કે રંગોની સમજ મેળવીને રંગોની અસર ફેમીલી, ફ્રેન્ડ અને ક્લાયન્ટ પર થાય છે તેવું તેમણે અનુભવ્યુ છે. જીવનના દરેક દૃષ્ટિકોણમાં વાપરી શકાય તેવા કલર સાયકોલોજી જેવા પાવરફુલ સાધનને તમે પોતાની ઓળખ માટે વાપરી શકો છો. તમારા કપડાના કાલરની પસંદગી, તમારા નોકરીના ઈન્ટરવ્યું વખતે ક્યાં કપડા પહેરવા તે અને તમને ગમતા સજાવટના રંગો ઉપરંત એટલે સુધી કે તમારી કારનો રંગ અને તમારી આજુબાજુના વસ્તુઓના રંગોનાં અભ્યાસથી રંગોની અસર તમારા જીવન પર કેવી પડે છે તે જાણી શકાય છે.

વધુ જાણીતા 16 રંગોનો સમાવેશ કલર સાયકોલોજીમાં રંગોના અર્થમાં કરાયો છે જેનથી તમારા મૂડ લાગણીઓ અને સ્વાસ્થ્ય ઉપર તેની અસર વિષે જાણી શકો છો.

તમારો મનપસંદ રંગ તમારા વિષે શું જણાવે છે? તે વિષે તમને ક્યારેય આશ્ચર્ય થયું છે? તમારા મનપસંદ રંગથી તમારી પ્રકૃત્તિદત્ત ખાસિયતો રંગોના અર્થના માધ્યમથી શોધી અને પ્રદર્શિત કરી શકો અને એ સમયે તમારી પર્સનાલિટીમાંથી સાચી પરખ કરીને તમારી તીવ્ર જરૂરિયાત શોધી શકો છો.

તમાર લગ્ન સમયના કપડાંની પસંદગી તમારા લગ્નનું પ્લાનીગ મેનેજ કરો છો તે અને આગળનું જીવનની કેવી અપેક્ષાઓ છે તે જણાવે છે.
તમે એકવાર કલર સાયકોલોજીની જાદુઈ અસરને ગહેરાઈ થી સમજશો તો રંગોની અસર તમારી લાઈફ પર શું થાય છે તે માટે જાણવાની ઉત્તેજના થશે.

રંગોનો અર્થ ઘણું કરીને અલગ અલગ સંસ્કૃતિ અને સંજોગો પર આધારિત છે.
દરેક રંગને ઘણા ભાવ – દૃષ્ટિકોણ હોઈ છે પણ તમે સહેલાઈથી રંગોની ભાષા શીખી શકો છો સરળ જાણકારીથી।
રંગો માટે શબ્દો દ્વારા સામજિક વહેવાર નથી કે કોઈ તેની સ્થિર ઉર્જા નથી અને તેના અર્થ વ્યક્તિગત રીતે અને દરેક દિવસે બદલાતા રહે છે બધું જ તે કઈ ઉર્જા તે સમયે દર્શાવે છે તેના પર આધાર રહે છે

ઉ.દા.તરીકે કોઈ વ્યક્તિ કોઈ ખાસ દિવસે લાલ રંગના કપડા પહેરવાનું પસંદ કરે છે ત્યારે એવું દર્શાવે છે કે લાલ રંગ તેનો મનપસંદ રંગ છે અથવા તે કોઈ કાર્ય કરવા તૈયાર છે અને તે કાર્ય અંગે પ્રબળ ઈચ્છા ધરાવે છે અથવા તેવો પણ અર્થ થાય કે તે દિવસે તે ખૂબ ગુસ્સામાં છે. જાગ્રત કે અજાગ્રત મન પર અસરની આ બધી ખાસિયતો લાલ રંગની છે.

*લાલ રંગ એ ઉત્સાહ ,જોશ-ઝનુન, ક્રિયા,મહત્વાકાંક્ષા, અને દૃઢ નિશ્ચયનો છે, તદુપરાંત લાલ રંગ જાતીય ઝનુન અને ગુસ્સાને પણ સૂચવે છે.

*ઓરેન્જ રંગ એ સામાજિક વ્યવહાર, આશાવાદને સૂચવે છે પણ નકારાત્મક રીતે તે નિરાશાવાદ અને સુપ્ર્ફીસીયલ નિશાની છે.

*કલર અર્થની સાથે કલર સાયકોલોજીમાં પીળો રંગ મગજ અને બુદ્ધિ ને દર્શાવે છે તદુપરાંત આશાવાદી અને ખુશખુશાલનો રંગ પણ છે. તે અધીરાઈ, ટીકા અને ડરપોકપાનું પણ સૂચવે છે.

*લીલો રંગ સંતુલન અને અભિવૃદ્ધિ સૂચવે છે લીલો રંગ જાત પરનો ભરોસો કે આત્મવિશ્વાસ હકારત્મક અને બીજા પર પ્રભુત્વ એ નકારત્મક .સૂચવે છે

*આસમાની વાદળી રંગ શાંતિ અને વિશ્વાસનાનો રંગ છે કલર સાયકોલોજી વાદળી રંગને વિશ્વાસનીયતા અને પ્રમાણિકતાના અર્થને સૂચવે છે તેવી જ રીતે રૂઢીચુસ્તતા અને નીરસતા પણ સૂચવે છે

*નીલો અંર્તજ્ઞાનનો રંગ છે.કલર સાયકોલોજીમાં નીલો રંગ આદર્શવાદ અને બંધારણ તેમજ કર્મકાંડી અને નશાકારક તેમ બે રીતના અર્થમાં સૂચવે છે.

*જાંબુડિયો રંગ કલ્પનાનો રંગ છે તે વ્યક્તિગત અને સર્જનાત્મક તથા અપરિપકવ અને અવ્યવહારુ અર્થમાં પણ સૂચવે છે.
*ટર્કીશ મનની સ્પષ્ટતા અને સંચારના અર્થને સૂચવે છે તેવી જ રીતે આદર્શવાદી અને અપરિપકવતાના અર્થને પણ સૂચવે છે.

*ગુલાબી રંગને કલર સાયકોલોજીમાં બિનશરતી પ્રેમ અને જતનના અર્થમાં લેવાય છે તેમજ તે નાદાન, અવિકસિત અને છોકરીયાળ જેવા અર્થને પણ સૂચવે છે.

*રંગોના અર્થમાં મજેન્ટા રંગ વૈશ્વીક સુમેળ અને લાગણીઓના સમતોલનના અર્થમાં છે, તે આધ્યાત્મિક હોવા છતાં વ્યવહારુ, સામાન્ય સૂઝને ઉત્સાહકારક અને જીવન દૃષ્ટિકોણને સમતોલન આપનાર અર્થને સૂચવે છે.

*બદામી કે તપખીરિયો રંગ હમદીલ-માયાળુ છતાં ગંભીર અને વાસ્તવિકતાને તથા સુરક્ષા, સગવડ, આરામ અને ભૌતિક સંપત્તિના અર્થને પણ સૂચવે છે

*ગ્રે કલર એટલે કે સફેદ પણ નહિ અને કાળો પણ નહિ, બે કલર વચ્ચેનો ક્ષણિક-ચંચલ રંગ. કલર સાયકોલોજીમાં ગ્રે રંગ સરખામણીનો છે અને લાગણીહીન, અનિર્ણાયક અને અલિપ્ત અર્થ પણ થઇ શકે છે.

*સિલ્વર એટલે કે રૂપેરી રંગ સ્ત્રૈણ-સ્ત્રીઓને લગતી ઉર્જાના અર્થમાં હોય છે. રૂપેરી રંગ ચંદ્ર ,ભરતી અને ઓટ વિષયક છે. તે વહેતું રહેતું અને ભાવનાશીલ અને સંવેદનશીલ અને રહસ્યમય અર્થ પણ સૂચવે છે.

*ગોલ્ડ સોનેરી રંગ સફળતા, સિદ્ધિ અને યશસ્વિતાનો રંગ છે અને સોનેરી રંગ સમૃદ્ધિ અને જાહોજહાલી ભોગવિલાસ અને ગુણવત્તા પ્રતિષ્ઠા અને વ્યવહારદક્ષતા મુલ્ય અને સુરુચિપૂર્ણતા સાથે જોડાયેલ છે. તેમજ કલર સાયકોલોજી વિપુલતા, અતિરેક અને ભૌતિક સંપત્તિના અર્થને ગર્ભિત કરે છે.

*સફેદ રંગનો અર્થ પવિત્રતા નિષ્કપટતા પરિપૂર્તિ અને સપૂર્ણતા છે. સફેદ રંગ સૌથું વધુ સપૂર્ણ, શુદ્ધ અને પૂર્ણતાને દર્શાવે છે

* કાળો રંગ ગુપ્ત અદૃશ્ય, ખાનગી, અજાણ્યું, રહસ્યમય રીતે હવામાં રાચવુંના અર્થને સૂચવે છે, જગતથી વસ્તુને સંતાડેલી રાખવા કે ઢાંકેલી-બંધ રાખવાની સાયકોલોજી કળા રંગના અર્થને સૂચવે છે.

આજકાલ સજાવટ માટે કે ઘરના ઇન્ટીરીયર ડેકોરેશનમાં જુદા જુદા કલરના સંયોજનો નો વપરાશ વધી રહ્યો છે. અને હમણાં રંગોની પણ આપણા ઉપર અસર રહે છે જેમ કે પ્રેમ, કરુણા, આશા, ભય, ક્રોધ જેવી લાગણી જુદા જુદા રંગો દ્વારા થતી હોય છે તેવું સંશોધન થતું હોય છે એટલે મને તે વિષે વધુ જાણવાની ઈચ્છા થઇ અને આ માહિતી મેળવી છે.

આભાસી દુનિયાએ આપણી સંવેદનામાં વધારો કર્યો કે સંવેદના સંકોચાઈ રહી છે?

જયારે તમે કોઈ સમસ્યા મિત્રને જણાવો ત્યારે મિત્ર તે સમસ્યાને ફેસબુક પર શેયર કરી રહ્યો હોય, ત્યારે કદાચ એને તમારી સમસ્યા દિલચસ્પ લાગી હોય પણ હેરાની તે મિત્રની સંવેદનહીનતા પર થાય કે  તેને તમારી સમસ્યા પર વાત કરવા કરતા તેના વર્ચ્યુઅલ ફ્રેન્ડસ સાથે તમારી સમસ્યાની ચર્ચા કરવાનું યોગ્ય લાગ્યુ. શું ફેસબુકની આભાસી દુનિયામાં આપણે બધા આવા સંવેદનહીન થઇ ગયા છીએ ? દરેક ઘટના, સુખ દુ: ખ આપણે માટે એક પોસ્ટ બની ગઈ છે, અને તેના પર થતી લાઈક, કમેન્ટ અને ટીપ્પણીઓ આપણી ઉપલબ્ધિ બની ગઈ છે? સોશ્યલ મીડીયાએ આપણી સંવેદનામાં વધારો કર્યો છે કે સંવેદના સંકોચાઈ રહી છે? ખરેખર દુનિયા આપણી નજીક આવી રહી છે કે આખી દુનિયામાં આપણે એકબીજાની નજીક આવવા માટે તરસી રહ્યા છીએ?

શું ખરેખર આપણે નવું નવું શેયર કરીને સુખી છીએ કે રોજેરોજ નવું નવું પીરસવાના ભ્રમમાં પોતાપણું ગુમાવી રહ્યા છીએ. ‘ખુબ સરસ’ કે ‘ બહુ જ દુ:ખદ’ એ કી-બોર્ડથી નીકળેલા શબ્દો છે દિલથી નહિ એવું તો નથી ને?

આજની ફેસબુક અને વોટ્સ  એપની આભાસી દુનિયાની સમસ્યા છે કે લોકો કોઈપણ વાત, ઘટના વિષે સાંભળતાની સાથે જ તેને સોશ્યલ મીડિયા પર પોતાના નામે પોસ્ટ તરીકે રાખી દેવાના મિજાજમાં હોય છે. જે ઘટના બને તે વખતે તેના વિષે વિચારવા કરતા તેને આભાસી દુનિયામાં લોકોને તેના વિષે બતાવવામાં દિલચસ્પી વધારે હોય છે. લગ્ન, પરિવારજન કે પોતાના હોસ્પિટલમાં દાખલ થયાની સેલ્ફી પણ સોશ્યલ મીડિયામાં મુકે એટલું તો ખરું પણ કોઈક વાર તો કોઈકના અંતિમ સંસ્કારની સેલ્ફી પણ મુકે છે. સેલ્ફી લઈને તેને સેલ્ફી સોશ્યલ મીડિયામાં મુકવાનો તો એક જાતનો જાણે રોગ થઇ ગયો છે.

ઘણીવાર તો કોઈ સાહિત્ય કે કવિ સંમેલન કે જાહેર કાર્યક્રમોમાં ઘણા લોકો કાર્યક્રમ માણવાને બદલે જુદી સેલ્ફી લઈને તરત જ મોબાઈલથી સોશ્યલ મીડિયામાં ડાઉનલોડ કરીને તેમના આભાસી મિત્રોને જાણ કરવામાં જ રસ હોય છે કે તેઓ કેટલા મહત્વના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આવા આભાસી આનંદને કારણે તેઓ વાસ્તવિક આનંદને કોઈ મહત્વ આપતા નથી.

લાગે છે કે આભાસી દુનિયામાં વધુ સમય આપવાને કારણે આપણી સાચી સંવેદના સંકોચાઈ રહી છે. આપણી બધી જ પ્રતિક્રિયા ઘટનાઓની ટીપ્પણીઓમાં સમાઈ ગઈ હોય તેવું લાગે છે.

ફેસબુક પર એક મૃત્યુની ખબર પર ‘દુ:ખદ’ લખી તરત જ લગ્ન કે જન્મદિવસની પોસ્ટ પર અભિનંદન અને કોઈ ક્રાંતિકારી વિચાર પર પોતાના વિચારો રજુ કરીએ છીએ. આ રીતે એક જ સમયે આપણે અનેક માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈને મોબાઈલ કે કમ્પ્યુટર પર આગળ વધતા જઈએ છીએ.

વાસ્તવમાં આપણી અંદર કશું જ ઘટતું- બનતું નથી, ના સુખ, ના દુ:ખ કે ના ક્રાંતિકારી વિચાર, માત્ર શાબ્દિક પ્રતિક્રિયાના દાયરામાં કેદ હોઈએ છીએ.

પરંતુ બીજી બાજુ એવો આભાસ થાય છે કે મારા સુખ-દુ:ખમાં ઘણા લોકો સાથે છે. સંભવ છે કે ઘણા લોકોને આભાસી રાહત મળી જાય પણ આવી આભાસી રાહત કુંઠા પેદા કરે છે. લોકો દરેક ઘટના કે કે સમસ્યાને સોશ્યલ મીડિયા કે બીજા મંચ પર એક પોસ્ટની રીતે જોવાનું શરુ કરે છે અને તે એક આદત બની જાય છે લોકોથી ઘેરાયેલા રહેવાની અને તારીફ સાંભળવાની અને પછી સ્થિતિ એવી ઉભી થાય છે કે આભાસી દુનિયા ચાહવા છતાં છોડી શકતા નથી.

જે લોકો આભાસી દુનિયાને પોતાની જિંદગી માને છે કે વાસ્તવિક માની લે છે તેઓ ખરેખર તો પોતાની ઓળખની સમસ્યા માટે તરસી રહ્યા હોય છે. જેની પોતાના આસપાસના લોકોમાં ખાસ જાણ પહેચાન ના હોય તે લોકો માને છે કે મારા સોશ્યલ મીડિયામાં હજારો મિત્રો છે અને તેઓ તેમના ફોટા કે વિચારોની વાહ વાહ કરે છે. ત્યારે કદાચ તેનો અહં સંતોષાય છે. અને આ જ મનોવૈજ્ઞાનિક હાલત તેને વધુ ને વધુ સમય આભાસી દુનિયામાં પસાર કરવા મજબુર કરે છે. પરંતુ આ ક્રમને લીધે તે વાસ્તવિક દુનિયાથી અલગ પડી જાય છે. અને પછી એવું બને છે કે તે વાસ્તવિક દુનિયાની વાતોને પણ પણ આભાસી દુનિયાની જેમ વિચારવા લાગે છે.

હકીકતમાં આજકાલ ઘણા લોકો વાસ્તવિક દુનિયામાં હોવા છતાં માનસિકરૂપથી આભાસી દુનિયામાં ગુમ રહેવા લાગ્યા છે. એ લોકોના દિમાગમાં ફેસબુકના ખાતામાં હવે શું નવું મુકવું કે જેના લીધે લોકો હેરાન રહી જાય, સનસની ફેલાઈ જાય કે વધુ વાદવિવાદ સર્જી શકાય.

ઘણીવાર અમુક સમસ્યા કે ઘટના પર થતી ચર્ચાઓના કારણે એવું બને કે આભાસી દુનિયામાં વધુ પ્રશશંક બનાવવામાં તે વાસ્તવિક દુનિયાના સાચા મિત્રોને ખોઈ બેસે છે.

એવું બની રહ્યું છે કે આભાસી દુનિયાના 1000 કે 5000 મિત્રોને મોબાઈલ ટચ સ્ક્રીનથી ટચ કરવામાં વાસ્તવિક દુનિયાના 5 મિત્રોનો ટચ ગુમાવી રહ્યા છીએ.

નરી આંખે ના જોઈ શકાતી શરીરના અંગો વિષે જાણકારી

આપણા અંગોનો વિકાસ નજરે ન દેખાય તે રીતે થાય છે. નિષ્ણાતોએ પ્રયોગ કરીને સિદ્ધ કર્યું છે કે આપણા કાન રોજ વધતા હોય છે. એવી ગણતરી કરી છે કે જો 1,000 વર્ષનું તમારું આયુષ્ય થઇ જાય તો ધીમી ગતિએ વધતા કાન ધીરેધીરે હાથીના કાન જેવા થઇ જાય!

આપણા કાનની શ્રવણશક્તિ આખો દિવસ એકસરખી રહેતી નથી. જમતી વખતે શ્રવણશક્તિ એકદમ મંદ પડી જાય છે.સવારના પહોરમાં તે અત્યંત તીવ્ર હોય છે. છાતી પર વાળ દેખાતા હોય કે ના હોય પણ 5 લાખ જેટલી સંખ્યાના વાળ દરેક પુરુષની છાતી ઉપર ઉગેલા હોય છે.

માણસના શરીરમાં સૌથી મજબુત અંગ દાંત ઉપરનો એનેમલનો સ્તર છે. આપણા  દાંતની મજબુતાઈ એનેમલને કારણે   છે. હાથીદાંત જેટલી જ તેની તાકાત હોય છે.

કોઈ વસ્તુ ઊંચકવા માત્ર એક હાથની બે આંગળીઓ જ ઉપયોગ લઈએ છીએ છતાં અંદરના ઘણાં અંગો એ ક્રિયામાં સંકળાઈ જાય છે. એક નાની ચમચી ઉપાડવા માટે આપણે હાથ લંબાવીએ ત્યારે હાથના 30 જેટલા સાંધાઓ અને 50 જેટલા સ્નાયુ કામે લાગી જાય છે.

એક માણસ આખો દિવસ ચાલે ત્યારે તેના પગ જે ભાર ઝીલે છે તે કુલ 1,000 ટનના હથોડાના જેટલો હોય છે. પગની આ તાકાત એટલા માટે હશે કે શરીરના કુલ હાડકાના ભાગના હાડકા માત્ર પગમાં જ ગોઠવાયેલા છે.

આપણા હૃદયની ટકટક દિવસમાં 1 લાખ વખત થાય છે, એટલે કે હૃદયના આ ધબકારા વર્ષમાં 30,000,000 વખત સતત ચાલુ હોય છે. મિનીટના 70 ધબકારા થાય છે, પણ કોઈ સંગીત સાંભળીએ કે પડઘમ સાંભળીએ ત્યારે ધબકારમાં વધારો થાય છે.

આપણા બંને પગ સરખા હોતા નથી, તેની આપણને ભાગ્યે જ ખબર હોય છે. એક હાથ બીજા હાથ કરતાં સહેજ લાંબો હોવાનું કોઈકને જ ખ્યાલ આવે છે. પણ મોટે ભાગે આપણો એક પગ બીજા પગ કરતાં સહેજ મોટો હોય છે તે ભેદ એટલો સૂક્ષ્મ હોય છે કે નારી આંખે  દેખાતો પણ નથી. કાન પણ સરખા હોતા નથી. માથા પર વાળ  એકબાજુ વધુ ઉગે છે તો બીજી બાજુ સહેજ ઓછા પ્રમાણમાં ઉગે છે. આપણા શરીરમાં 65 ટકા ઓક્સિજન, 18 ટકા કાર્બ, 10 ટકા હાઇડ્રોજન, 3 ટકા નાઈટ્રોજન, 1.5 ટકા કેલ્શિયમ, 1 ટકા ફોસ્ફરસ અને 1.5 ટકા બીજા તત્વો હોય છે. શરીરમાં રહેલા બધા રસાયણો એકબીજા સાથે મિશ્ર થયેલ છે. અને તેમાં રહેલું મિશ્રણ પાણીનું છે.

piercing

 

શરીરનાં અમુક અંગો પર વીંધવું કે કાણાં પડાવવા( piercing) તે શારીરિક દેખાવ અને શૃંગાર માટે કરાવવામાં આવે છે. આ શરીરના કાન કે નાક પર વીંધવાની રીત પણ કળા કહી શકાય અને તે શીખવું પડે પછી આવડત આવે છે.
લગભગ 5000 વર્ષથી નાક અને કાન વિધવાની પ્રક્રિયા પુરા વિશ્વમાં પ્રસરેલી છે તેના ઐતિહાસિક પ્રમાણ મળે છે કાન વીંધવામાં આવતા તેનો પુરાવો મમી(Mammy) માંથી મળી આવે છે

હોંઠ અને જીભ પર વીંધવાની રીત (piercing) આફ્રિકા અને અમેરિકાના ટ્રાઈબલની સંસ્કૃતિમાં છે. તેના ઐતિહાસિક પુરાવા મળી આવ્યા છે. જનેદ્રીય સંબધી વીંધવાની પ્રક્રિયા પણ અમુક કલ્ચરમાં જોવા મળી આવી છે.
પશ્ચિમી સંસ્કૃતિમાં તેની લોકપ્રિયતામાં વધારો બીજા વિશ્વયુદ્ધના સમયથી થયો છે. ગે પુરુષોમાં હવે તેની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે.

(piercing) વીંધવું જોઈએ કે ના વીંધવું જોઈએ તેના કારણો ભિન્ન ભિન્ન છે. ઘણા લોકો તેને ધાર્મિક અને અધ્યાત્મિક માટે ગણાવે છે અને ઘણા લોકો શારીરિક અભિવ્યક્તિ, જાતીય વિષયસુખ કે રૂઢીચુસ્ત સંસ્કૃતિ કે તેના વિરુદ્ધ બળવો કરવા માટે કરાવે છે. ખાસ કરીને યુવાનો તેને વિવાદાસ્પદ કે ચર્ચાસ્પદ રીતના અર્થમાં લે છે.
શારીરિક પ્રદર્શન કે અંગોને વીંધવાની નિયુક્તિને સ્કૂલ, નોકરીમા અને ઘણીવાર ધાર્મિક રીતે પ્રતિબંધ કરવામાં આવે છે.
શરીરના અંગોને વીંધવાની પ્રક્રિયા (piercing)તકલીફદાયક અને થોડેઘણે અંશે રિસ્ક ધરાવતી હતી. જેમ કે વિધવાની પ્રક્રિયામાં એલર્જીક અસરો, ચેપ લાગવો, વધુ પડતા ડાઘ કે ચકામાં પડવા અને અણધારી શારીરિક ઈજાઓના જોખમો રહેલા છે.
જો કે વખતોવખત ઉપયોગમાં લેવાતાં પીયર્સિંગના સ્પેશ્યલ સાધનો પણ વિકસતા રહ્યા છે

તાજેતરમાં આ વિષય (piercing)શરીરના અંગોને અલંકારિક કરવા માટે વીંધવાની પ્રક્રિયાને પુરાતત્વના વિદ્વાનો દ્વારા ઊંડાણથી સંશોધન કરવામાં આવી રહ્યું છે.
મધ્ય યુગમાં યુરોપીયનો માં એક અંધ શ્રદ્ધા હતી કે એક કાનમાં ઈયરીંગ પહેરવાથી દૂરની દૃષ્ટિનું તેજ વધે છે નાવિકો અને શોધકો આગેવાનીની પ્રથાને આગળ વધારે તેવા આશયથી અંધશ્રદ્ધાળુઓ એવી વાત કરતા।

હિંદુ સ્ત્રીઓના ખાસ જમણી નાસિકાના છિદ્રમાં નાકની કિલ પહેરવામાં આવે છે તેનું કારણ તેનું જોડાણ સ્ત્રીના ગર્ભાશય સાથે છે એવું માનવામાં આવે છે.

(piercing) વિવાદાસ્પદ હોવા છતાં ઘણા લોકો ગીનીશ વર્લડ બુક માટે તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે શરીર પર હજારોની સંખ્યામાં કાયમી કે હંગામી રીતે કરાવે છે

ઓફિસિઅલ ગીનીશ વર્લ્ડ રેકોર્ડનો કાયમી પીયર્સિંગનો મોસ્ટ પીયર્સડ વુમનનો રેકોર્ડ સ્કોટલેન્ડની Elaine Davidsonના નામે છે. 8 જુન 2006 ના રોજ સુધી 4225 સર્ટીફાઇડ પીયર્સિંગ નંબરનો રેકોર્ડ છે. ફેબ્રુઆરી 2009 માં ધ ડેઈલી ટેલીગ્રાફ તેણીના 6005 કાયમી પીયર્સિંગ હોવાનું નોંધે છે.

(માહિતી સ્ત્રોત ગુગલ)

અહી  નીચે રાખેલ  Elaine Davidson નો ફોટો છે. અત્યારે સ્કોટલેન્ડના એડીનબર્ગ શહેરમાં તેમનો પોતાનો પીયાર્સિંગનો સ્ટોલ એડીનબર્ગની સ્ટ્રીટમાં આવેલો છે અને ત્યાં હરતા ફરતા જોવા મળે છે. અને અમે તેમનો ફોટો તેમની નજીક જઈને 2013ના જુલાઈ મહિનામાં લીધો હતો.

image

અમેરિકન વિદ્યાર્થીઓ ભૂગોળમાં ડફોળ

શ્રી નરેન્દ્ર જોષીના પુસ્તક ‘અહો! વૈચિત્ર્યમ’ માંથી

જે અમેરિકાની ઈ.સ. 1942માં શોધ થવા સાથે પૃથ્વી પરની ભૂગોળમાં એક નવી ભૌગોલિક જ્ઞાનની પરીસીમાઓ વિસ્તરી, ભૂગોળના ઉત્સાહીઓની જિજ્ઞાસા સંતોષવા નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીની સ્થાપના થઇ અને પૃથ્વીના પેટાળથી માંડીને એવરેસ્ટના શિખર સુધીની ભૂગોળની તમામ પ્રકારની સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે અમેરિકાના પોતાના જુવાનીયાઓ ભૂગોળમાં કાચાં છે!
તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં એવું જણાયું છે કે મોટાભાગના યુવકો પૃથ્વીના નકશા પર ઈરાક શોધી શકતાં નથી અને 75 ટકા યુવકોને ઇન્ડોનેશિયા નથી મળતું।
નેશનલ જ્યોગ્રાફિકના ઉપક્રમે તાજેતરમાં લેવાયેલા ટોપર  જનમતમાં 18 થી 24 વર્ષના યુવકોને તેમના પોતાના દેશ વિષે પૂછવામાં આવતાં તેમાંના અડધોઅડધ અમેરિકાના નકશામાં ન્યુયોર્ક કે ઓહાયો રાજ્યો શોધી કાઢવામાં નિષ્ફળ ગયા છે. માહિતી ક્રાંતિના આ યુગમાં જ્યાં એકલા અમેરિકામાં સંખ્યાબંધ ન્યૂઝ ચેનલો ચોવીસે કલાક ઈરાક પર અમેરિકી આક્રમણની રજેરજ માહિતી અને દ્રશ્યો અને નકશા સાથે બતાવતી રહે અને ઈરાન- ઇઝરાયલના મામલે અમેરિકા ચમકતું રહે છતાં 63 ટકા યુવકો ઈરાક અને 75 ટકા ઇઝરાયલ કે ઈરાન બતાવી શક્યાં નહિ.20 ટકા યુવકોએ સુદાનને આફ્રિકાને બદલે એશિયામાં અને 10 ટકાએ યુરોપમાં મુક્યો હતો.
કુદરતી હોનારતોની વાત આવી ત્યાં 33 ટકા યુવાકો જ ઓક્ટોબર 2005 ના પ્રચંડ ભૂકંપ સાથે પાકિસ્તાનને જોડી શક્યાં। 10 ટકાથી વધુ યુવકોને એશિયામાં પાકિસ્તાન ક્યાં આવ્યું તેની ખબર નથી.
33 ટકા કે તેથી વધુ યુવકો 2005 ના ઝંઝાવાતના મુખ્ય સ્થળો લુઇસ્યાના કે મિસિસિપિ નકશામાં બતાવી શક્યા ના હતા. જો કે 69 ટકા યુવકોને ચીન ક્યાં આવ્યું તે ખબર છે પણ ચીન વિષે ઘણી ખોટી માન્યતાઓ છે.
ચીનની વસ્તી અમેરિકા કરતાં ચાર ગણી છે, પણ મોટાભાગના અમેરિકન યુવકો મને છે કે માત્ર બમણી જ વસ્તી છે.90 ટકા યુવકોને એશિયાના નકશામાં અફઘાનિસ્તાન કયાં છે તે ખબર નથી. 70 ટકા યુવકોને ઉત્તર કોરિયા શોધવાના ફાંફાં પડે છે.
આશ્ચર્યની વાત એ છે કે ઓટાવા શોધતાં શોધતાં મોસ્કો સુધી પહોંચી જનારા અમેરિકાના મોટાભાગના યુવકોને ભૌગોલિક અજ્ઞાનમાં કંઈ જ આશ્ચર્ય જનક લાગતું નથી.
મોટાભાગના યુવકો કહે છે કે સમાચારમાં જે દેશની વાત આવે છે તે ક્યાં છે તે જાણવું મહત્વનું છે, પણ નહી જાણીએ તો કંઈ ગરાસ નથી લુંટાઈ જવાનો।
આ યુવકોને શરમ ભલે ના લાગી હોય પણ નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીને શરમ લાગી છે કે આપણા યુવકોમાં આટલું બધું અજ્ઞાન?
નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીના પ્રમુખ જ્હોન ફાહીએ કહ્યું કે, ભૌગોલિક અજ્ઞાનથી આપણા દેશનું આર્થિક કલ્યાણ જોખમાય છે. અન્ય રાષ્ટ્રો સાથેના અમેરિકાના સંબધો વધુ મજબૂત નથી થતા. પર્યાવરણ વિશેની જાગૃતિ ઓછી રહે છે અને આપનો દેશ વિશ્વથી વિખૂટો પડી જાય છે. આજે આંતરિક જોડાણો વધતાં જાય છે, સ્પર્ધા વધતી જાય છે, દુનિયા નાની થતી જાય છે ત્યારે ભૂગોળનાં જ્ઞાન વગર કેમ ચાલે?
આ જ્હોન ફાહીને જ ખબર નહી હોય કે પૃથ્વી ગોળ છે એમ માનવા વિશ્વમાં પણ કેટલાક લોકો હગી તૈયાર નથી.
રહી વાત અમેરિકી યુવકોના ભૂગોળના જ્ઞાનની, તેમને શીખવવા જતાં કોલંબસ પણ અટવાઈ જશે.

આભાસી દુનિયા અને વાસ્તવિક દુનિયા

મારી માતા પ્રમાણમાં વધુ સોશ્યલ છે અમારા મહોલ્લામાં અને સમાજમાં બધા જ તેમને ઓળખે એટલે મેં તેને ફેસબુકમાં જોડાવાની સલાહ આપી. અમારી વચ્ચે થયેલી વાતચીત સક્ષિપ્તમાં.
હું : મમ્મી આટલી બધી સોશ્યલ છે તો ફેસબુકમાં આવી જા ઘણા બધા ઓળખશે તને.
મમ્મી: પણ મને તો ઘણા બધા ઓળખે છે, આખો મહોલ્લો જાણે છે અને સારી રીતે ઓળખે છે.
હું: પણ તેનાથી પણ વધુ લોકો ઓળખશે, મને જો કેટલા બધા ઓળખે છે અને ફોલો પણ કરે છે.
મમ્મી: પણ મહોલ્લામાં કોઈ નથી ઓળખતું ને! ઘણી વખત મને શરમ આવે છે જયારે લોકો પૂછે છે કે આ તમારી દીકરી છે? ક્યારેય દેખાતી નથી? અને જેટલા લોકો તું કહે છે તેમ ફેસબુક પર ઓળખે છે તને તેટલા લોકો મહોલ્લામાં અને આજુબાજુમાં ઓળખે તો તું સભાસદની  ચૂંટણી જીતી જાય.
હું:(થોડી અચકઈને ) અરે! મહોલ્લાના, આજુબાજુના કે જ્ઞાતિના લોકોને ઓળખીને શું કામ છે? ફેસબુકમાં તો લોકો મારા વિચાર સાંભળે છે-વાંચે છે.
મમ્મી: તો એમાં શું ફાયદો ? વિચાર સાંભળીને શું કરે છે?
હું: અરે! મારા વિચારની વાહ વાહ કરે છે અને કહે છે તમે કેવું સરસ તટસ્થ લખો છો ! અને હું બીમાર છું એવું લખું તો લોકો ‘ગેટ વેલ સુન’ લખે. ફેસબુકમાં આવું ઘણું સ્ટેટ્સ લખી શકાય.
મમ્મી: પણ દવા તો ના લાવી આપે કે ડોક્ટર પાસે તો ના લઇ જાય ને? અને કંઈ લખો એની વાહવાહી કરે એનાથી શું થવાનું? સારું છે દેશ આઝાદ થઇ ગયો નહિ તો તમે આઝાદીની લડાઈ પણ ફેસબુકથી જ લડી લેતા. કામથી થાકીને આવ્યા પછી આરામ કરવાને બદલે ફેસબુક પર કુટુર-પુટુર કર્યા કરે છે, મને તો ડર લાગે છે કે તારી આંગળીઓને નુકશાન થશે અને ચશ્માના નંબર વધી જશે.
હું: અરે! મમ્મી તું નહિ સમજે કેટલી મજા આવે છે તે, અને અહી બેઠાં  કેટલા અલગ અલગ શહેરોના લોકોને જાણી શકીએ છીએ અને વાતો કરી શકીએ છીએ.એમની સાંભળો અને આપણી સંભળાવો.
મમ્મી: વાહ ભાઈ! ઘરના લોકોની ના સાંભળો, મહોલ્લાના લોકોને ના જાણો, આસપાસના લોકોના દુખ: દર્દ ના જાણીએ અને દુનિયાભરના દર્દ વહેંચો આ તો મારી સમજમાં નથી આવતું.
કયારેક હું એકલી હોઉં અને મારી ચા બનાવવાની ઈચ્છા ના હોય તો પડોશમાંથી વર્ષા આવીને ચા આપી જાય કે એને ત્યાં બોલાવે અને સાથે ચા પીએ. પણ તારી ચા ક્યાંથી આવશે મુંબઈ કે દિલ્હીથી? કોઈકવાર આસપાસના લોકો સાથે વાતચીત કરી લે અને એમને પણ તારા વિચારો જણાવ.
(ખેર! આ વાતચીતને અંતે મને ખબર પડી કે મજબૂત લોકો વાસ્તવિક દુનિયામાં જ રહે છે અને ત્યાં રહીને જ પરિવર્તન લાવે છે.)

(ફેસબુક મિત્રની હિન્દી પોસ્ટમાંથી અનુવાદ)